સંવિધાન દિવસ: ભારત – જનતંત્રની જનની
- In Current Affairs
- 03:12 PM, Nov 26, 2026
- Viren S Doshi
ભૂમિકા
એવું કહેવાય છે કે લોકતંત્ર એ પશ્ચિમ એટલે કે નોર્થ એટલાન્ટિક વિસ્તારના યુરોપીય – ઉત્તર અમેરિકન પાશ્ચાત્ય દેશોની દેન છે – ગ્રીસમાં ૩૦૦૦ વર્ષો પહેલા લોકતંત્ર હતું તો અમેરિકામાં ૨૫૦ વર્ષોથી લોકતંત્ર સ્થપાયું, પરંતુ સત્ય એ છે કે ભારતમાં વૈદિક કાળથી સરસ્વતી-સિંધુ-દ્રવિડ-આરણ્યક સભ્યતા/સંસ્કૃતિથી લઈને રાજા કે સમ્રાટના નેતૃત્વવાળા રાજ્યો-સામ્રાજ્યોની સાથે સાથે અનેક લોકતાંત્રિક રાજ્યો/સંઘો યશસ્વી રીતે અસ્તિત્વમાં રહ્યા છે.
‘ડેમોક્રેસી’ અથવા તો ‘લોકશાહી’ શબ્દ જ્યારે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે તેનો અર્થ શાસન પદ્ધતિ સાથે જોડાયેલો પ્રતીત થાય છે, પરંતુ લોકતંત્ર/ પ્જાતંત્ર કે જનતંત્ર એ શબ્દ જ્યારે બોલીએ છીએ ત્યારે તેનો વધુ વ્યાપક અર્થ સામે આવે છે. લોકતંત્ર હોવું એ માત્ર શાસન વ્યવસ્થાની વાત નથી, એ તો લોકોની ગળથૂથીમાં - લોકોના ડીએનએમાં વણાયેલા લોકસંસ્કારની વાત છે.
જેમ આપણા સમાજમાં વ્યક્તિના જીવનમાં ૧૬ સંસ્કાર કરવાના થાય છે તેમ સમાજમાં કેટલાક માનવીય સંસ્કાર/મૂલ્યો હોય તો જ તે સમાજ લોકતંત્ર ટકાવી શકે છે, તેમાં રહીને સમૃદ્ધ બની શકે છે.
ટૂંકમાં, શાસનમાં લોકતંત્ર હોવું એ એક વાત છે અને સમાજમાં – લોકોમાં લોકતંત્રને પુષ્ટ કરતા વિચારો અને સંસ્કારો હોવા એ એક બીજી વાત છે. જો એ વિચારો હોય તો કોઈ પણ શાસન હોય તે લોકતાંત્રિક મૂલ્યો સાંચવીને રાજ કરશે, અને તે વિચારો જો નહીં હોય તો લોકતંત્ર પણ સરમુખત્યારશાહીમાં બદલાતા વાર નહીં લાગે. ભારતમાં જનતંત્ર નહીં ટકે તેમ કહેવાવાળા ઘણાં આ પાયાના ભારતીય સંસ્કારને સમજી નહીં શક્યા એટલે આજે તેમને આશ્ચર્ય થતું હશે કે ભારતનું લોકતંત્ર કેવી રીતે ટકી ગયું. વાસ્તવમાં, ભારતમાં લોકતંત્ર ન હોય તે જ આશ્ચર્યજનક કહેવાય. લોકતંત્ર હોય તે તો ભારત માટે સહજ સ્વભાવિક ગણાય. કેમ કે અહીં રામ જેવા રાજા પણ લોકમતને આધીન હતાં. અને એટલે જ ઈશ્વરની જેમ લોકોએ તેમને પૂજ્યા અને હજુ પણ પૂજે છે.
ભારતીય તત્ત્વજ્ઞાન – દર્શન અને લોકતંત્ર
ભારતીયોમાં લોકતંત્ર માટેના પાયાના સંસ્કારો પ્રથમથી જ છે, કેમ કે ભારતીય તત્ત્વજ્ઞાન સમાવેશી છે અને સર્વ પ્રકારના વૈવિધ્યને પોષક છે. “एकम सत विप्रा बहुधा वदन्ति” (ऋग्वेद मंत्र 1.164.46) – સત્ય એક છે પણ વિદ્વાનો તેને અનેક રીતે કહે છે – આ પાયાની માન્યતા ભારતીયોના લોકમાનસને લોકતંત્ર માટે પ્રથમથી જ તૈયાર કરે છે. आत्मवत् सर्वभूतेषु – જે મારામાં છે તે બધામાં છે – આ ઉક્તિ પણ આપણા લોહીમાં વણાયેલ છે. સંકુચિતતાને ભારતીય વિચારમાં કોઈ સ્થાન જ નથી. સર્વ પંથ સમભાવ એ આપણું જાણે કે ધ્યેય વાક્ય છે. આવું ખુલ્લાપણું હોવું અને તત્ત્વત: સમાનતા, અહિંસા, સહિષ્ણુતા, સહ-અસ્તિત્વ, સ્વતંત્રતા, બંધુતા, લચીલાપણું, સુધારવાદી વલણમાં માનતા હોવું તે લોકતંત્ર માટે આધારશિલા છે જે ભારતમાં તેના પ્રારંભથી જ વ્યાપ્ત છે. કોઈ એક સ્થાપક વ્યક્તિ, કોઈ એક ગ્રન્થ, કોઈ એક ઉપાસના પદ્ધતિ કે કોઈ એક જીવન પદ્ધતિનું હોવું કે તેનું આધિપત્ય હોવું અહીં સનાતન ધારાના મૂળમાં જોવા મળતું નથી.
આજે પ્રચલિત મતોમાં કોઈ એક મતથી બધા બંધાયેલા હોવા જોઈએ કે એક મત જ સાચો અને અન્ય મત ખોટા એવું આપણે માનતા નથી. બધા સમાવેશી મતો પોતપોતાની રીતે સાચા અને પરસ્પર આદરપાત્ર છે તેવું માનવામાં આવે છે. વૈવિધ્ય એ આપણા માટે નૈસર્ગિક અને ઈશ્વરદત્ત છે, સહજ સ્વીકાર્ય છે અને એટલે જ અહીં વિવિધ સંપ્રદાયો ખીલ્યા અને જે બહારથી પીડિત થઈને કે આક્રાન્તા થઈને આવ્યા તેમનો પણ સમાવેશ થયો. એટલે જ અહીં વિવિધ જ્ઞાતિઓ પાંગરી અને સૌ લોકોને સમૃદ્ધ કર્યા. એટલે જ અહીં વિવિધ ભાષાઓ અને બોલીઓ ઉદ્-ભવી અને વિકસી. આટલી વિવિધતા છતાંય સમરસતા અને એકતા જળવાઈ હોય તેવું અહીં બન્યું કેમ કે જનતંત્ર એ આપણો સહજ ભાવ છે. પરતંત્ર કાળમાં ભક્તિમાર્ગી સંતોએ પણ ઋષિઓની જેમ જ સૌ સમાન છે, કોઈ ઊંચ નથી અને કોઈ નીચ નથી તેવો બોધ સતત આપ્યો જે પેઢી દર પેઢી લોકોએ હૃદયસ્થ કરેલો છે.
એટલે જનતંત્ર સ્થાપવા માટે અહીં કોઈ લોહિયાળ યુદ્ધો નથી થયા, જનતંત્ર સહજ જ સ્થપાય છે. દા. ત. દીર્ઘ પરતંત્રતા કાળ પછી પણ આધુનિક ભારતની સ્વતંત્રતાના સમયે ૭૫ વર્ષો પહેલા નેતૃત્વની કુનેહ ઉપરાંત મુખ્યત્વે જનતંત્રની પ્રબળ જીવંત ભાવના અને દ્રઢીભૂત પરંપરા જ કારણભૂત હતી કે ૫૬૨ દેશી રજવાડાઓનું વિલીનીકરણ સંપૂર્ણ શાંતિપૂર્વક થયું, બે વિધર્મી પ્રભાવિત સ્થાનોમાં સામાન્ય બળપ્રયોગ કરવો પડ્યો અને કાશ્મીરમાં પ્રશ્ન અણઘડ નેતૃત્વ અને વિધર્મી આક્રમણને કારણે ગૂંચવાયો તે સિવાય ભાવનગર જેવા રાજવીઓએ તો અત્યંત સહજતાથી સત્તા સોંપી દીધી હતી, રાજકોષ સાથે બધું સોંપી દીધું હતું.
વૈદિક સાહિત્યમાં લોકતંત્રનો નિર્દેશ
ભારતના પ્રાચીનતમ સાહિત્યમાં એટલે કે વૈદિક સાહિત્યમાં લોકતંત્ર પ્રમાણે સમાજ પરિચાલન અને શાસન માટે સ્પષ્ટ નિર્દેશ જોવા મળે છે. વૈદિક રાષ્ટ્ર પ્રાર્થનામાં માર્મિક રીતે ઋષિ કહે છે કે અમારા રાષ્ટ્રના યુવાનો કેવા હોવા જોઈએ - અમારા રાષ્ટ્રના, અમારા યજમાનોના યુવાનો સભામાં બેસવા યોગ્ય અને વીર હોવા જોઈએ. સભેયો યુવાસ્ય યજમાનસ્ય વીરો જાયતામ્ ... કલ્પના કરો કે કેવો ઉન્નત અને પ્રજ્ઞાવાન સમાજ હશે કે એમ કહે છે કે યુવાનો – યુવતીઓ સભામાં બેસવા યોગ્ય હોય, એમનામાં એ ડહાપણ અને કોઠાસૂઝ હોય તે અમને અભીષ્ટ છે. સભા અને સમિતિના મહત્ત્વને દર્શાવતા અનેક ઉલ્લેખો વેદમાં જોવા મળે છે.
સમાનો મન્ત્રઃ
સમિતિઃ સમાની, સમાનં મનઃ સહ ચિત્તમેષામ્ ।
સમાનં મન્ત્રમભિમન્ત્રયે વઃ, સમાનેન વો હવિષા જુહોમિ ॥
સમાની વ આકૂતિઃ સમાના હૃદયાનિ વઃ ।
સમાનમસ્તુ વો મનો, યથા વઃ સુસહાસતિ ॥ (ઋક્ - ૧૦/૧૯૧/૨-૪)
જયારે સમાજના પ્રત્યેક વ્યવસ્થા-તંત્રમાં કાર્યરત સૌના ધ્યેય સમાન હોય, મન એક થયા હોય અને ચિત્ત એકબીજા માટે આદર ધારણ કરતા હોય, ઊર્મિ – લાગણી એક હોય... ત્યારે લોકતંત્ર સાચી રીતે સ્થપાતું હોય છે અને તે એવું દૃઢ હોય છે કે તેને કોઈ ધ્વસ્ત ન કરી શકે.
સહસ્રો વર્ષો સુધી શ્રુતિ – સ્મૃતિ આધારિત, કર્તવ્ય આધારિત, ધર્મ આધારિત આ જનતંત્ર યુક્ત સમાજ વ્યવસ્થા લોકોને સુખ શાંતિ આપતી રહી.
રાજાઓ હતા, પણ જનતંત્ર તેમાં પણ જીવંત અને ધબકતું હતું
ન રાજ્યમ્ ન ચ રાજાસીત્, ન દન્ડ્યો ન દાંડિક:, ધર્મેણેવ પ્રજા: સર્વા રક્ષન્તિ સ્મ પરસ્પર
એટલે કે એ વૈદિક કાળમાં પ્રારંભિક સમય એવો હતો કે જેમાં રાજ્ય, રાજા, દંડ, દંડક આવશ્યક ન હતા. પ્રજા ધર્માચરણથી સ્વશાસન ચલાવતી હતી.
કાળક્રમે રાજાઓની આવશ્યકતા જણાઈ તો રાજાઓ અભિષિક્ત થયા, રાજ્યાભિષેક સમયે “કો દંડ્યોસ્મિ?” – “મને કોણ દંડ કરી શકે?” એમ કહેનાર રાજાને “ધર્મ દંડયોસિ” – “ધર્મ તને દંડ કરશે” એમ ઋષિ રાજાના મસ્તક પર દંડ લગાવીને કહેતા હતા જે બતાવે છે કે રાજતંત્ર કે સામ્રાજ્ય નિરંકુશ ન હતું, લોકમર્યાદા અને ધર્મ અનુસાર ધર્મ દંડ દ્વારા તે બંધાયેલું હતું. એટલે જ લોકમતને માન આપનાર ત્યાગમૂર્તિ રાજા રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાતા હતા અને માતા સીતા જગજ્જનની કહેવાતા. એટલે આધુનિક ભારતના જ્યોતિર્ધર એવા મહાત્મા ગાંધીએ લોકતંત્રમાં પણ રામરાજ્ય સ્થાપવાની અભિલાષા વ્યક્ત કરી હતી.
રાજ્યપુરોહિત, રાજ્યગુરુ, આચાર્યગણ, સભા, સમિતિ, દંડ નાયક, કંટક શોધક, ગુપ્તચર તંત્ર અને મંત્રી પરિષદ જેવી અનેક રચનાઓ રાજા સુશાસન કરે અને સાચો ન્યાય તોળે તે જોતી હતી. રાજા ન્યાય કરતો હતો પણ ધર્મ વિધાનના આધારે ન્યાય કરતો હતો જે વિધાન ઋષિઓ કે સ્મૃતિકારો ઘડતા હતા. રાજા પોતે જ વિધાન ઘડે તેવું ન હતું. તે કાર્ય માટે તટસ્થ અને સ્વતંત્ર વ્યવસ્થા હતી. ગુપ્તચરો રાજાના પોતાના માટે પણ લોક અભિપ્રાય શું છે તે નિરંતર જોતાં રહેતા અને રાજાને કહેતા. અને રાજાઓ તેને પર્યાપ્ત મહત્ત્વ આપતા.
નિરંકુશ રાજાઓને હટાવવાની વ્યવસ્થા પણ હતી. વેણ નામના એક રાજાના દુષ્ટ કૃત્યોના કારણે તેને પ્રજાએ પદ પરથી હટાવેલો. પરશુરામે પણ નિરંકુશ રાજાઓનો પરાભવ કર્યો હતો તે જાણીતું છે. તો બીજી બાજુ રાજા ગોપાલ, રાજા રુદ્રદામન પ્રથમ, રાજા ખારવેલ લોકોએ નીમેલા રાજાઓ હતા.
રાજાઓ શાસન કરતા હતા પણ તે મર્યાદિત વિષયો પર જ અધિકાર ધરાવતા હતા, રાજ્યના લગભગ બધા ગામો સ્વતંત્ર હતા, અને ગામોમાં સ્થાનિક સ્વરાજ્યની દૃઢ વ્યવસ્થા હતી. રાજા ગામમાંથી કેટલો કર લઇ શકે તે પણ વિધાનમાં નિયત થયેલ રહેતું. રાજા તેનાથી વધારે કર ન લઈ શકતો. કરના બદલામાં તેને સુરક્ષા, પ્રશાસન અને મોટા વિવાદોમાં ન્યાય ઈત્યાદિ સેવાઓ આપવાની થતી હતી. એટલે મોટા ભાગના રાજાઓ પ્રજાવત્સલ, વીર, ગૌબ્રાહ્મણ પ્રતિપાળ, ન્યાયપ્રિય, લોકપ્રિય હતા. ચક્રવર્તી રાજાઓ નાના રાજાઓમાં આદર્શ જેવા હતા, પરપીડક કે ઉત્પીડક ન હતા. વીર હતા અને યુદ્ધ સમયે સ્વયં આગળ રહી બલિદાન આપતા હતા.
ગામોમાં પ્રાચીન સમયથી ગ્રામ સ્વરાજ
ગામમાં શાસન માટે પંચ, સ્થાનિક પ્રશ્નો – નાના વિવાદો માટે ન્યાય પંચ જેવી પોતાની વ્યવસ્થા હતી, જે પૂરેપૂરી સ્વાયત્ત હતી. જે હજુ હમણાં સુધી જળવાયેલી રહી હતી. ઉદાહરણ તરીકે - તમિલનાડુના એક ગામના મંદિરમાં ગ્રામ શાસન વ્યવસ્થાની સંહિતા જ જાણે કે શિલાલેખ પર કોતરી દીધી છે – ઉતીરામેરુર ગામના વૈકુંઠ પેરુમલ મંદિરની ભીંતો પર કોતરાયેલી ૧૫૦૦ વર્ષો પહેલાની આ સંહિતા આજે પણ સ્વાયત્ત ગ્રામ શાસન – ગ્રામ સ્વરાજની સાક્ષી છે.
(ચિત્ર સૌજન્ય – શ્રી પરિતોષ વિનીત વ્યાસ, આઈઆરએસ, ચેન્નઈ)
ગામનો ન્યાય, શિક્ષણ, સ્વાસ્થ્ય, જળાશય, ઉદ્યાન, ધર્મશાળા, મંદિર આ બધું ગામ જ સંભાળે તેવી અદભૂત વ્યવસ્થા હતી. ઢોલ વગાડી ગ્રામ સભા બોલાવાતી. એક એક ગામ જાણે કે એક એક સ્વાયત્ત રાજ્ય હતું. રાજા કોઈ પણ હોય તેમને કોઈ બાધા આવતી ન હતી. ભારત સહસ્રો વર્ષો સુધી સમૃદ્ધ રહ્યું અને ટકી રહ્યું તેનું પ્રમુખ કારણ આ સ્વાયત્ત ગામો, વનો, આશ્રમો, શ્રેણીઓ, સંઘો હતા. કેન્દ્રીકૃત અને છતાંય વિકેન્દ્રિત એવી અદભૂત વ્યવસ્થા હતી.
ભારતના લોકતાંત્રિક ગણરાજ્યો
આધ્યાત્મિક, નૈતિક તથા સામાજિક વ્યવસ્થાઓ અંતર્ગત રાજાઓ રાજ કરતા હતા જે એક જનતંત્રથી પણ વધુ જનતાંત્રિક એવી રાજ્ય વ્યવસ્થા હતી કે જેમાં ઘણીવાર રાજ્યનો વડો ગણાતો રાજા માત્ર નામનો જ રાજા હોય, અથવા તો રાજા સેવક હોય તેમ શાસન ચાલતું હતું. રાજા યુદ્ધમાં મોખરે રહીને લડે તેવું થતું હતું. તેમ છતાંય, જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં લોકોએ જનતંત્ર સ્થાપ્યું, તેવા રાજ્યો ગણરાજ્યો કે સંઘો તરીકે ઓળખાતા હતા અને તેમાંના કેટલાક તો શ્રેષ્ઠ રાજ્યો ગણાતા હતા. તેમણે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. તેના ગણજનો શ્રેષ્ઠ મનુષ્યો તરીકે જીવનયાપન કરતા હતા.
મહાભારત પહેલા પણ જેમ અનેક સમ્રાટો/ચક્રવર્તી રાજાઓ હતા તેમ અનેક ગણરાજ્યો પણ હતા. રામાયણમાં જેમનો ઉલ્લેખ રાજર્ષિ તરીકે થયો છે તે મિથિલા એટલે કે વિદેહ રાજ્યના અગ્રણી રાજન કે જેમને ‘જનક’ એ પદનામથી ઓળખવામાં આવતા અને જેમનું વ્યક્તિગત નામ સિરધ્વજ હતું તે પ્રજાને સાથે રાખી વિદ્વાનોના માર્ગદર્શનમાં રાજ્ય ચલાવવા માટે જાણીતા હતા. વિદેહ રાજ્ય લૌકિક કારભાર સાથે પારલૌકિક કલ્યાણ માટે જાણીતું હતું અને એટલે જ એનું નામ ‘વિદેહ’ પડેલું. કાલાન્તરે એ કુળમાં છેલ્લો જનક અયોગ્ય હોવાથી તેને લોકો દ્વારા પદચ્યુત કરવામાં આવેલ અને પછી ત્યાં જનતંત્ર સ્થાપિત થયું હતું. વિદેહનો ઉલ્લેખ ગણરાજ્યોના ઈતિહાસમાં અવશ્ય થાય છે. મહાભારત સમયે જે ગણરાજ્યો હતા તેમાં અંધક અને વૃષ્ણિ એમ બે ગણરાજ્યોનો એક સંયુક્ત સંઘ હતો જેમાં બે બે અધ્યક્ષો સાથે શાસન સંભાળતા હતા. ઉગ્રસેન અંધકોના નિર્વાચિત અધ્યક્ષ હતા તો કૃષ્ણ વૃષ્ણિ ગણના નિર્વાચિત અધ્યક્ષ હતા. જયારે આહુક અને અક્રૂર ક્રમશ: વૃષ્ણિ અને અંધક ધારાસભાઓના અધિપતિ હતા.
મહાભારતના શાંતિપર્વમાં પ્રકરણ ૮૧માં કૃષ્ણ – નારદ સંવાદ છે જે ભીષ્મ યુધિષ્ઠિરને વર્ણવે છે. તેમાં અંધક વૃષ્ણિ સંઘના શાસનને લઈને જે આંતરિક સમસ્યાઓ હતી તે વિષે કૃષ્ણ પોતાની વ્યથા નારદ સમક્ષ ઠાલવે છે. સગા વહાલાઓનું અનુચિત દબાણ રાજકાજમાં કેવી રીતે ખાળવું અને કેવી રીતે સુશાસન ચલાવવું તે પડકારની તેમાં વાત છે. કૃષ્ણ આ માટે નારદ મુનિનું માર્ગદર્શન યાચે છે. નારદ તેમનું માર્ગદર્શન કરે છે, પ્રત્યેકે એકવાર વાંચવા જેવો આ સંવાદ છે.
લોકનેતા કૃષ્ણને એટલે જ લોકો રાજા નથી કહેતા. રાજા રામનો થયો હતો તેમ રાજા તરીકે રાજ્યાભિષેક કૃષ્ણનો થયો હોય તેવું જણાતું નથી. દ્વારકામાં આ સંઘ ગયો તે તો સર્વવિદિત છે અને ત્યાં યાદવોના આંતરકલહમાં રાજ્ય નષ્ટ થયું તે પણ જાણીતું છે. પરંતુ તે પછી જે બચ્યા હતા તેમને અર્જુને પંચનદ પ્રદેશમાં નવેસરથી વસાવ્યા હતા અને તે પછી ઘણા વર્ષો પર્યંત આ સંઘ ચાલતો રહ્યો હતો.
નાના સંઘો આંતરિક કે બાહ્ય શત્રુઓ સામે પોતાનું રક્ષણ કરી શકે તે માટે આયુધજીવી સંઘ તરીકે ઓળખાતા, કેમ કે એવા સંઘમાં આબાલવૃદ્ધ સર્વે ગણજનો પોતાના અન્ય કાર્યો ઉપરાંત સૈનિકોની જેમ સેનામાં ભાગે પડતું કાર્ય સંભાળતા. વાહિક પ્રદેશ એટલે પશ્ચિમોત્તર ભારતમાં આવા સંઘ રાજ્યો વિશેષ પ્રમાણમાં હતા. વિદેહ, અંધક, વૃષ્ણિ, લિચ્છવી - વૈશાલી, મલ્લ, યોધેય, માલવ, કઠ, બ્રાહ્મણક, ત્રિગર્ત, કુરુ, પાંચાલ, આભીર, કુકુર, ક્ષૂદ્રક, સુરાષ્ટ્ર, સૌભૂતિ, શિબિ, મદ્ર, રાષ્ટ્રિક, કામ્બોજ, આંધ્ર, પુલિંદ, શાક્ય, ખત્રિય, સિંધુ સૌવીર, મૌચકર્ણી જેવા અનેક ગણરાજ્યો સફળ અને કીર્તિવંત રાજ્યો ગણાતા હતા. તે રાજ્યોના સંવિધાન બનેલા હતા અને તેમાં ઘણી વિગતો આજે પણ પ્રસ્તુત ગણી શકાય તેવી હતી. લિચ્છવી ગણમાં ૭૭૦૭ પ્રતિનિધિઓ હતા જે ગણ અધ્યક્ષની ચૂંટણી કરતા હતા.
વાણિજ્ય સંઘો/જ્ઞાતિઓ અને ધાર્મિક સંઘો/પંથો પણ જનતાંત્રિક ભાવના અને વ્યવસ્થા અનુસાર ચાલતા હોવાના અનેક દાખલા છે. બૌદ્ધ સંઘો તો ગણરાજ્યોની પ્રતિકૃતિ હોય તેમ ચાલતા હતા. ગ્રીક યાત્રી મેગેસ્થનીસ લખે છે, “ભારતમાં ગણરાજ્યો સારું શાસન કરે છે અને અહીં કોઈ કોઈનું દાસ નથી. દાસપ્રથા છે જ નહીં.”
એલેકઝાન્ડર (સિકંદર)ના આક્રમણને પણ ગણરાજ્યો સારી રીતે ખાળી શક્યા હતા અને તેને વાયવ્ય ભારતના સીમા વિસ્તારમાંથી જ પરત જવું પડ્યું હતું. તેના ઈતિહાસકારોએ એક એક ગણરાજ્યના લોકો વિષે અને ગણ શાસન વિષે વિસ્તારથી લખ્યું છે અને ગણોની વીરતા, ગણ ભાવના ઉચ્ચ કોટિની હતી તેમ જણાવ્યું છે. એલેકઝાન્ડર સ્વયંને માંડ માંડ બચાવી શકાયો હતો, એક ગણ સાથેના યુદ્ધમાં તે સ્વયં આહત થયો હતો. વિજય મેળવવાનું તો સ્વપ્ન સિદ્ધ ન થયું પણ તેની પીછેહઠ પણ દુસ્સ્વપ્ન જેવી હતી. ઘણા ગણ રાજ્યો સાથે તેને સંધિ કરવી પડી હતી. કેટલાક ગણ એવા હતા કે તેમણે પરાજય સ્વીકારવો ન પડે તે માટે સ્થળાંતર કર્યું હતું. પણ અણનમ રહ્યા હતા.
તે પછી ભારત પર આક્રમણ કરવા આવેલ મૈનેન્દ્ર એક શક રાજા હતો જેના આક્રમણ સમયે વાહિક પ્રદેશના ગણરાજ્યો કેવી રીતે જનતંત્રની ભાવના જાળવવા સાથે મગધ સામ્રાજ્યના સમ્રાટ અગ્નિમિત્રની સત્તાલાલસા અને મૈનેન્દ્રની વિશ્વ જીતવાની લાલસાને ખાળે છે તેનો રોચક ઈતિહાસ છે. ગણરાજ્યો જનતંત્ર જાળવવા માટે લડી શકતા હતા તે આ ઈતિહાસ માં જાણવા મળે છે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય રચનાકાર સ્વ. શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ની રચના ‘દીપ નિર્વાણ’ ગણ રાજ્યોના ઈતિહાસને રોચક રીતે ઝીલે છે.
પ્રત્યેક ગણનું સંવિધાન હતું, અને એ ભિન્નતાઓ હોવા છતાં ગણો ભેગા મળી સમવાયી સંઘ રચતા હતા અને સુશાસન સાથે સંરક્ષણ પણ સુચારુ રૂપે કરતા હતા. સારું શાસન આપવામાં તે સફળ નીવડ્યા હતા.
આજના સંદર્ભમાં ભારતના જનતંત્રના ઈતિહાસનું મહત્ત્વ
આપણા ઈતિહાસનું ઘણું બધું આપણે જાણવા જેવું છે પણ આપણે એનાથી વંચિત રહીએ છીએ કેમ કે આ બધું ભણવા ભણાવવા માટે સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પૂરતું આયોજન નથી થઈ શક્યું. પણ હવે લોકોએ જ આગળ આવી આ માટે ગોઠવણ કરવી જોઈશે. ભારતના જનતંત્ર અને રાજનીતિ તંત્રના ઈતિહાસના કેટલાય રહસ્યો એવા છે કે આજે પણ આપણને કામ લાગે તેમ છે. પંચતંત્રમાં કૂટનીતિની સાથે સાથે બાળવાર્તાઓના સ્વરૂપે સુશાસનના પાઠ ભણાવ્યા છે જે આજે પણ ઉપયોગી છે.
આજના આપણા જનતંત્રની વાત કરીએ તો આજે ભારત તેની નિર્વાચન પ્રણાલી માટે આટલો મોટો દેશ હોવા છતાં ઉત્તમ સ્થાને છે, અમેરિકામાં પણ નિર્વાચન પછી મતગણત્રી અને વિજેતાની ઘોષણા થતા દિવસો નીકળે છે, ભારત જેવી ઉન્નત ટેકનોલોજી નથી તે નોંધપાત્ર છે. આપણા લોકતંત્રમાં ચૂંટણી એક મહાપર્વ સમાન છે. અને મતદાતા સૂચિ પવિત્ર રહે, નાગરિકો જ મતદાતા તરીકે નોંધાય તે માટે સુચારૂ વ્યવસ્થા થઈ એટલે જ બંગાળમાં સત્તા પરિવર્તન થયું. અમેરિકા પણ ઘૂસણખોરીથી પીડિત છે અને ત્યાંનું જનતંત્ર પાંગળું છે જેના કારણે એક શક્તિશાળી દેશ પણ સંકટમાં આવેલ છે.
અત્યારના જનતંત્રમાં કેટલીક ત્રુટિઓ છે. જેમ કે મતદાતા કે પ્રત્યાશી કોણ કેવી રીતે બની શકે તે નિયમોમાં વધુ પડતી ઉદારતા, પ્રત્યેકના મતનું મૂલ્ય એક સરખું હોવું, ગુણ-કર્મ આધારિત ચયન અઘરું હોવું, વધુ પડતા ઉદાર વાણી સ્વાતંત્ર્યનો રાષ્ટ્રદ્રોહ કરવા સુધી દુરુપયોગ ઈત્યાદિથી લઈને ભારત (અને અમેરિકા જેવા પ્રગત દેશોમાં પણ) સોશિયલ મીડિયા દ્વારા કૃત્રિમ બુદ્ધિનો દુરુપયોગ કરી ચૂંટણીને દુષ્પ્રભાવિત કરવી, વિદેશી વિધર્મી ક્મ્યુનિસ્ટ જેહાદી શક્તિઓ દ્વારા ચૂંટણી પ્રભાવિત કરવી જેવા અનેક બિંદુઓ છે જેનો ઉકેલ લાવવો જોઈશે. કથિત કૃત્રિમ બુદ્ધિ – આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ જ રાક્ષસ બુદ્ધિ થઈને શું રાજ કરશે? આ પ્રબળ શક્યતાને ડામવી જોઈશે. સમસ્યા ઉકેલવી જોઈશે. વિવિધ જેહાદની જેમ જનતંત્ર જેહાદ કે વોટ જેહાદની વાત જોવા મળે છે. સંપૂર્ણ ભારતવર્ષ અને તેના બધા ભાગો જેમ કે છેડાના તમિલનાડુના નાનકડા ગામમાં પણ જે અણિશુદ્ધ શાસન સહસ્રો વર્ષો પર્યંત આપી શકે તે જ્ઞાન સંપૂર્ણ વિશ્વને ઉપયોગી કેમ ન થઈ શકે? એટલે ભારતનો જેટલો વધુ અભ્યાસ થશે તેટલો વધુ લાભ થશે.
નોંધ - વધુ અને રસપ્રદ વાંચન માટે સંદર્ભ:
‘દીપ નિર્વાણ’ જે એક ગુજરાતી નવલકથાના સ્વરૂપમાં ગણરાજ્યોનો ઈતિહાસ આલેખે છે – લેખક – શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’.
‘હિંદુ પોલિટી’ જે એક અંગ્રેજી ગ્રન્થ છે જેમાં ગણરાજ્યોનો વિસ્તૃત ઈતિહાસ આલેખાયેલ છે – લેખક – શ્રી કાશીપ્રસાદ જયસ્વાલ.

Comments