અયોધ્યા, છપૈયા, નંદીગ્રામ, વારાણસી, સારનાથ, પ્રયાગરાજ, વિંધ્યવાસિની તીર્થયાત્રા
- In Travel
- 01:31 PM, Oct 09, 2026
- Viren S Doshi
તા. ૨૪/૯/૨૦૨૬ થી તા. ૨૮/૯/૨૦૨૬
તા. ૨૪/૯/૨૦૨૬ પ્રથમ દિવસ
સ્વામિનારાયણ મંદિર અયોધ્યા ધામ - આ અયોધ્યા રેલ્વે સ્ટેશન પાસેનું કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાનું મંદિર છે. તેમાં ધર્મશાળા પણ છે. ત્યાં અમે સ્ટેશનથી ગયાં. થોડા સ્વસ્થ થઈ અમારે ઉતારે ગયાં.
પછી છપૈયા ગયાં અને સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યાં, પ્રસાદ ત્યાં લીધો. સારી વ્યવસ્થા છે. સૌના વતી દર્શન કર્યાં.
આ સ્થાને સ્વામી સહજાનંદ મહારાજનો જન્મ થયો હતો. કાલુપુર સંપ્રદાય દ્વારા આ મંદિર સંચાલિત છે. ત્યાં એક કૂવો છે જ્યાં મહારાજ બાળપણમાં સ્નાન કરતાં હતાં. તેમના પૈતૃક ઘરનું રાચરચીલું જેમ હતું તેમ ત્યાં દર્શનાર્થે પ્રદર્શિત કરેલ છે. પરિસરમાં બે મંદિર છે.
પછી ઉતારે જઈ વિશ્રામ કર્યો. બપોર પછી અયોધ્યા હનુમાન ગઢી અને કનક ભવન મંદિરે દર્શન કર્યાં.
અદ્ભુત...દિવ્ય....ભવ્ય…દર્શન.
હનુમાન ગઢી મંદિરે ભક્તોની બહુ જ ભીડ હોય છે. વરસાદ વરસતો હતો. પગથિયાં ઘણા છે. સાંકડી જગ્યા છે. પણ ભક્તોનો ઉત્સાહ પ્રબળ જોવા મળે છે.
કનક ભવન મંદિરે શ્રી કૃષ્ણ ભગવાન દર્શન કરવા આવેલા એમ કહેવાય છે.
વ્યવસ્થામાં સુધારો થઈ શકે તેમ છે.
રામાનંદી સંપ્રદાયના નિર્વાણી અખાડા દ્વારા આ મંદિર સંચાલિત છે.
પછી શ્રી રામ જન્મભૂમિ મંદિરે દર્શન કર્યાં. જાણે કે સાક્ષાત્ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના સાંનિધ્યમાં હોઈએ તેવી અનુભૂતિ થઈ. મંદિર ન્યાસ દ્વારા શક્ય તે બધું જ કરવામાં આવી રહ્યું છે. ઉત્તમ વ્યવસ્થા. ચાકચોબંધ સુરક્ષા. ભવ્ય અને દિવ્ય વાતાવરણ. વર્ષો પછી સ્વતંત્રતા મળી હોય તેવી અનુભૂતિ. અનેક બલિદાનીઓના સમર્પણને શ્રદ્ધાંજલિ આપતું ભવ્ય મંદિર ઉભું છે.
વ્યવસ્થાઓ અને વિકાસના કામો જોઈને સ્પષ્ટ લાગે છે કે ભારત તેજ ગતિ સે બદલ રહા હૈ...!!!
તા. ૨૫/૯/૨૦૨૬
રામ લલા શૃંગાર આરતીના વિસ્તૃત દર્શન. વૈષ્ણવ રામાનંદ સંપ્રદાય પદ્ધતિ પ્રમાણે આરતી પૂજા થાય છે તેમ લાગ્યું. ઉત્તમ વ્યવસ્થા. દિવ્ય દર્શન. ભક્તિપૂર્ણ ઉપાસના.
ફરીથી હનુમાનગઢીના દર્શન થયાં.
સરયુ સ્નાન કર્યું. ડૂબકીઓ લગાવી. સરયુના શીતળ જળ તન અને મનના તાપ સંતાપ દૂર કરે છે.
ઘાટ પર ઘણી વ્યવસ્થા કરી છે પણ ભીડ ઘણી હોય છે. સ્નાન કરીને કપડાં બદલવા માટે નગર નિગમે નાનાં ટેન્ટ મુકેલા છે.
સૌ વતી ભગવાનને અને સરયુ નદી માતાને વંદન અનુનય વિનય સહ પ્રાર્થના સ્તુતિ કર્યાં.
યાત્રામાં સ્વજનો દ્વારા વ્યવસ્થા માટે ઉત્તમોત્તમ સહયોગ મળ્યો. ધન્ય થયાં.
પછી વિશ્રામ કરી ભોજન લઈને આગળ વધ્યાં.
અયોધ્યા સૂરજ કુંડ અને પછી નંદીગ્રામ ગયાં.
સૂરજ કુંડ રઘુકુળના સૂર્યવંશી રાજાઓના દેવતા સૂર્યને સમર્પિત કુંડ છે. વ્યવસ્થા સારી છે. સ્થાપત્ય પણ સારું છે. ટ્રસ્ટ બન્યું હશે તેમ લાગે છે પણ સ્થાનિક પૂજારીઓ વધુ ધ્યાન આપતાં હોય તેમ લાગ્યું. અહીં સંકુલના મંદિરોમાં પૂજા સારી થાય છે. કુંડ મોટો છે. પાણી સ્થગિત છે. છતાં અપેક્ષાકૃત સ્વચ્છ છે.
નંદીગ્રામમાં ભરતજીના તપના સ્થળો છે. સ્થાનિક પૂજારીઓ કે ધાર્મિક અગ્રણીઓ જ બધું સાંભળતા હોય તેમ લાગ્યું. વ્યવસ્થામાં સુધારો થઈ શકે તેવું છે. ત્રણેક જગ્યાઓ પર અલગ અલગ પૂજારીઓ ભરતજીનું આ સ્થળ છે તેમ બતાવે. અમે એક સ્થળે દર્શન કર્યાં.
પછી ત્યાંથી વારાણસી અમૂલ પ્લાન્ટ પર. અમૂલ પણ આધુનિક તીર્થ સ્થળ જ છે. પ્લાન્ટ અને તેની પ્રગતિ જોઈને ઘણો હર્ષ થયો. વારાણસીમાં આવો સ્ટેટ ઓફ ધ આર્ટ વિશ્વ સ્તરનો ડેરી પ્લાન્ટ બનાસ ડેરી માટે ગૌરવ સમાન છે.
બનાસકાંઠાના નેતૃત્વના અને લોકોના સંકલ્પો અને પ્રયત્નોને કાશી વિશ્વનાથ બાબાના આશીર્વાદ મળેલા છે તેની આ પ્લાન્ટ અને અહીંનું ગ્રામીણ પશુપાલન અને દૂધ સંપાદન કાર્ય પ્રતીતિ કરાવે છે.
તા. ૨૬/૯/૨૦૨૬
આ દિવસે વહેલી સવારથી પ્રારંભ થયેલ દર્શન સ્તુતિ પ્રાર્થના ઉપાસનાનો ક્રમ રાતે મોડેથી પૂરો થયો.
પહેલાં બાબા વિશ્વનાથની મંગળા આરતી જેનો પ્રત્યક્ષ અને સ્પર્શ દર્શન સહિતનો અપૂર્વ લાભ મળ્યો.
પછી મંદિર પરિસરમાં બધા મંદિરોના દર્શન કર્યાં.
પછી ત્યાં જ વિધિવત્ રુદ્રાભિષેક કર્યો. ત્યાં અમે સંકલ્પ પાઠમાં સૌ સ્વજનો માટે સુરક્ષા, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આ અભિષેક કરીએ છીએ તેમ સંકલ્પ લઈ ષોડશોપચાર પૂજા સાથે રુદ્રાભિષેક વિદ્વાન યુવાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે સંપન્ન કર્યો. આગળના દિવસે જ ત્યાંના એક ભયંકર અપરાધીનું એન્કાઉન્ટર થયું હતું, તેમાં કાર્ય કરનાર પોલીસ અધિકારીઓ અને જવાનોની સુરક્ષા માટે પણ અમે પ્રાર્થના કરી. અભિષેક કર્યો.
પછી કાશી વિશ્વનાથ કોરિડોરમાં પરિક્રમા કરી. ત્યાં દેવી અહલ્યાબાઈ હોળકરની પ્રતિમા જોઈને સ્વતઃ નતમસ્તક થવાયું. એક એકલી મહિલા શાસક ભયાનક વિધર્મી વિદેશી આક્રાંતાઓના અત્યાચારો વચ્ચે પણ શું કરી શકે છે તે જોઈને ગૌરવ અનુભવાયું. સૌના વતી દર્શન કર્યાં. અન્યાન્ય સ્થળોના અને ગંગા મૈયાના દર્શન કર્યાં.
બાજુમાં જ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી ગ્યાનવાપી મસ્જિદ છે. મંદિર પરિસરના પ્રાચીન નંદી મહારાજ તે બાજુ મુખ રાખીને બેઠાં છે. જાણે કે પ્રતિક્ષા કરે છે કે ક્યારે શિવજીનું મંદિર પુનઃ નિર્માણ પામે, આ બળપૂર્વક બનાવેલ મસ્જિદ હટે અને પુનઃ જ્યોતિર્લિંગનો જયજયકાર થાય… કાશી શંકર ભગવાનના ત્રિશૂળ પર સ્થિત છે. મુસ્લિમ સમુદાયે સામે ચાલીને આ મસ્જિદ ત્યાંથી હટાવી કરોડો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું સન્માન કરવું જોઈએ. તે જ સાચું ઐક્ય સ્થાપી શકે. અન્યથા એક દિવસ આ સ્થળે પણ ચમત્કાર થશે જ તેવું ભક્તોના ઘોડાપૂર જોઈને લાગ્યા વિના રહેતું નથી.
મણિકર્ણિકા ઘાટ પર સ્મશાનના દર્શન કર્યાં.
મંદિર ન્યાસ દ્વારા ઉત્તમ વ્યવસ્થા થયેલ છે. ભીડ બહુ હોય છે, વારે વારે જયકાર સંભળાય અને ભક્તિ ઉમટી પડે. યુવાન પેઢીના દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં હોય છે.
પછી વિશાલાક્ષી મંદિરે દર્શન કર્યાં. આ શક્તિ પીઠ છે. સ્થાનિક વ્યવસ્થા છે. કાશીમાં દક્ષિણ ભારત વિશેષે તમિળનાડ અને આંધ્ર તેલંગણાના યાત્રિકો મોટી સંખ્યામાં આવે છે.
તે પછી કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યાં. હનુમાનગઢીના હનુમાનજી જેમ અયોધ્યાની રક્ષા કરે છે તેમ આ ભૈરવ બાબા કાશીની રક્ષા કરે છે.
અહીં પણ વિશેષ રૂપે સૌ માટે, સુરક્ષા માટે પ્રાર્થના કરી.
પછી ઉતારે જઈ થોડો વિશ્રામ કરી સ્વર્વેદ મંદિરે ગયાં. આ એક વિશેષ યોગ સંસ્થાન છે. એક વિશેષ પંથ કહી શકાય. ત્યાં અમારું સૌનું એમણે વેદ મંત્રોચ્ચાર સાથે, ફુલહાર સાથે, ઉપરણો પહેરાવી સ્વાગત કર્યું.
ગુજરાતના અમૂલ મોડલ વિશે ત્યાં ટૂંકી વાત કરી.
તેમણે મંદિર બતાવ્યું, અદ્ભુત મંદિર છે.
તેમણે તત્ત્વજ્ઞાન યોગ વિશે બહુ જ સરળ પણ ઉપયોગી વાતો એક કલાક સુધી અમને સૌને સમજાવી.
પછી અમે સૌએ ત્યાં ભોજન પ્રસાદ લીધો. સાત્ત્વિક ઉત્તમ સ્થાનિક વાનગીઓ હતી. પ્રેમભાવથી જમાડ્યા.
સ્વર્વેદ ગ્રંથ અમને ભેટ આપ્યા. આ ગ્રંથ સરળ ભાષામાં આપણું તત્ત્વજ્ઞાન વ્યક્ત કરે છે. બહુ આનંદ આવ્યો. તેમની કાર્યપદ્ધતિ વિશેષ છે.
પછી માર્કન્ડેય મંદિર અને ઘાટ પર ગયાં. માર્કન્ડેય ઋષિનું આ સ્થાન છે. સ્થાનિક વ્યવસ્થા છે. ત્યાં રુદ્રાભિષેક કરી પુનઃ ઉપર જણાવેલ છે તે પ્રમાણે પ્રાર્થના કરી. ઘાટનું પ્રાચીન બાંધકામ ઉત્તમ છે. ગંગાજીના દર્શન કર્યાં. વ્યવસ્થા સ્થાનિક છે. સ્વચ્છતા, યાત્રિક સુવિધા વગેરેમાં સુધારો થઈ શકે તેમ છે.
પછી આવ્યા તુલસીઘાટ પર સંકટ મોચન મંદિર.
હનુમાનજી મહારાજ અને રામ લક્ષ્મણ જાનકીના દર્શન કર્યાં. ઘણી ભીડ હતી. ભાવિકો - શ્રદ્ધાળુઓની શ્રદ્ધા - ભક્તિ જોઈ નતમસ્તક થવાયું.
અહીં પણ સૌ માટે પ્રાર્થના કરી.
સંત રવિદાસ ઘાટ અને ઉદ્યાન જોયાં. દર્શન કર્યાં. રવિદાસજીએ સમાજમાં એકતા માટે, સમરસતા માટે જે બોધ આપ્યો છે તે અમૂલ્ય છે, અને આજે પણ પ્રસ્તુત છે.
અને પછી વહાણમાં બેસી ઘાટ દર્શન અને ગંગા આરતી દર્શન કર્યાં. ગંગા આરતી સમયે વાતાવરણ અલૌકિક અને દિવ્ય થઈ જાય છે.
આ ત્રણ દિવસો જીવનના ઉત્તમ દિવસો ગણી શકાય તેવા વીત્યાં. આનંદ પરમાનંદની અનુભૂતિ થઈ.
અયોધ્યા અને વારાણસી બંને સ્થાનોની વિકાસ ગાથા પણ જોઈ. કાયાપલટ થયો છે. અહીં જ રહેવા આવી જવું જોઈએ તેમ પ્રબળ ઈચ્છા થાય.
તા. ૨૭/૯/૨૦૨૬
આજે સંયોગથી શ્રાદ્ધ પક્ષના પ્રથમ દિવસે સવારમાં જ ત્રિવેણી સંગમ પ્રયાગ રાજ જવાનું થયું.
સંગમ સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય સાથે પિતૃ તર્પણ કર્યું.
વ્યવસ્થાઓ સ્થાનિક છે. રાજ્ય પ્રશાસન કુંભ સિવાયના સમયે પણ વ્યવસ્થા કરે તે ઈચ્છનીય છે.
પ્રાર્થના સૌ માટે કરી.
પછી લેટે હનુમાનજી મહારાજના દર્શન કર્યાં અને પ્રાર્થના કરી. ત્યાંના મહંતજી મહારાજ નરેશ ગિરીજી સાથે વાતચીત કરી.
પછી અક્ષય વટ દર્શન કર્યાં, પ્રદક્ષિણા કરી, આપણા સમર્પિત નેતૃત્વના સુરક્ષા સ્વાસ્થ્ય સફળતા માટે યાચના કરી.
પ્રયાગ કિલ્લો જોયો. તે સમ્રાટ અશોક દ્વારા સ્થપાયો હતો. કિલ્લામાં પાતાળ પૂરી મંદિરે દર્શન. પ્રાર્થના. સૈન્ય વ્યવસ્થા છે, કેમ કે કિલ્લો હવે ભારતીય સેના પાસે છે. પરંતુ મંદિરમાં સ્થાનિક પૂજારીઓ સ્થાપિત થયેલા છે.
સરસ્વતી કૂપ સૈન્ય ભંડારમાં હોઈ ત્યાં ન જવાયું.
અલોપી શંકરી શક્તિ પીઠ દર્શન અને પ્રાર્થના. સ્થાનિક ટ્રસ્ટ છે તેમ લાગ્યું. યાત્રિકો મોટી સંખ્યામાં આવે છે.
વિંધ્યવાસિની શક્તિ પીઠ દર્શન અને પ્રાર્થના. આ યોગમાયા છે જેણે કંસને ચેતવણી આપી હતી કે કૃષ્ણ જન્મી ચૂક્યા છે. સ્થાનિક ટ્રસ્ટ છે. ભીડ બહુ હોય છે. અમે પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યાં.
યાત્રાનો ચતુર્થ દિવસ સંપન્ન.
તા. ૨૮/૯/૨૦૨૬ અંતિમ દિવસ
પૂર્વાંચલ પૂર્વી ઉત્તર પ્રદેશ અદ્ભુત પ્રદેશ છે.
વસ્તી ગીચતા ઘણી છે, પણ ધાર્મિકતા અત્યંત વ્યાપક અને ગહન.
સોમવારે સવારે બનાસ અમૂલ ડેરી વારાણસી પ્લાન્ટ દર્શનનો લાભ મળ્યો. ટૂંક સમયમાં આ શ્રેષ્ઠ ગુણવત્તાના પ્લાન્ટમાં તેની પૂરી ક્ષમતાનો ઉપયોગ થવા લાગ્યો છે અને તેનું વિસ્તૃતીકરણ કરવાની આવશ્યકતા પડવા લાગી છે. બહુ જ ગૌરવનો અનુભવ થયો.
સરદાર પટેલે અને ત્રિભુવનદાસ પટેલે પ્રારંભ કરેલ અમૂલની યાત્રા બનાસ ડેરીના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેના ચરમોત્કર્ષ પર પહોંચી છે. સરદાર પટેલનું સ્વપ્ન સાકાર થયું છે.
પછી સારનાથ દર્શન કરવા ગયાં. પુરાતત્ત્વ વિભાગ સંગ્રહાલય જોયું. જેમાં શૈવ, બૌદ્ધ, જૈન અવશેષો જોયા. સરસ વ્યવસ્થા છે. અશોક ચક્ર, ચાર સિંહ સાથેની પ્રતિમા, બૌદ્ધ સ્તૂપો, વિહાર, ધમ્મ ચક્ર.
આપણી સંસ્કૃતિ કેટલી ઉન્નત સ્થિતિમાં હતી તે આના પરથી કલ્પી શકાય.
બાજુમાં ભગવાન તીર્થંકર શ્રેયાંસનાથ સ્વામીના જન્મસ્થળે બનેલ દેરાસરમાં દર્શન કર્યાં.
પછી બનારસી રેશમી સાડી બુનકર પાસેથી ખરીદીને લીધી. પાવરલૂમ પર બનેલ સાડી હેન્ડલૂમ કે શાળ પર બનેલ સાડીથી કેવી રીતે જુદી પાડી શકાય તે સમજ્યા, હેન્ડલૂમ સાડી પણ બે રીતે બને છે તે સમજ્યા. સાડીના અંદરના બાજુના દોરા પરથી આ તારણ કાઢી શકાય છે. એક એક ભાત માટે સાડીના પોતમાં જ તાર વણેલા હોય તે સાડી સૌથી વધુ સમય વણાટમાં લે અને તે પ્રમાણે મોંઘી હોય. જાણવા મળ્યું કે સિલ્ક એટલે રેશમ ઓછું પડે છે માંગ કરતાં…એટલે ચીન જેવા દેશમાંથી સિલ્ક આયાત કરીને લાવવું પડે છે. બેંગલુરુથી આપણું રેશમ આવે છે.
બનારસી સાડી ઉદ્યોગ માટે પણ ઘણું કામ થયું છે અને હજુ થઈ શકે તેમ લાગ્યું.
બનારસી વાનગીઓ બજારમાં જાણીતા સ્થળોએથી લઈને જમ્યાં.
યાત્રા સુખદ રીતે સંપન્ન થઈ.
નિષ્કર્ષ
યશસ્વી રાષ્ટ્રીય અને પ્રાદેશિક તેમ જ સ્થાનિક નેતૃત્વના કારણે કામ ઘણાં થયાં છે અને ચાલુ છે. સાથે સાથે થોડાં સૂચનો ધ્યાનમાં આવ્યાં તે અહીં લખ્યાં છે.
ઉત્તર પ્રદેશ જનસંખ્યા નિયંત્રણની સૌથી વધુ આવશ્યકતાવાળો પ્રદેશ કહી શકાય. વસ્તી ગુજરાતની તુલનામાં ત્રણ ગણી વધુ ગીચતા ધરાવે છે. અમુક સમુદાયની વસ્તી વધુ ઝડપે વધે છે. ૨૫ ટકા જેટલી વસ્તી મુખ્ય લઘુમતી સમુદાયની હવે હોઈ શકે છે.
શેરડીની ખેતી અહીં બહુ છે. સુગર કોઓપરેટીવ અમૂલ પ્રમાણે કાર્ય કરે તો બધા માટે સારું થાય. ઈથેનોલવાળું કામ પણ સહકારી ધોરણે થઈ શકે.
સાડીનું કામ પણ ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાઓ કે ટ્રાઇફેડ જેવી સંસ્થાઓ દ્વારા વધુ પ્રમાણમાં થઈ શકે. મોટા વેપારીઓ છે પણ વણકર શ્રમિકના હાથમાં લગભગ ૩૦ ટકા જેવી રકમ પણ માંડ જતી હશે, રેશમમાં લગભગ ૩૦ ટકા જેવી રકમ લાગે છે તેવું અનુમાન છે. એક મોટા વેપારીને ત્યાં અમે સાડી પર જ ભાવ લખેલ જોયા, બીજા વેપારીઓ ગ્રાહકને જોઈને ભાવ કહે છે. ટ્રાઇફેડ કેન્દ્રમાં પણ ભાવ લખેલ હોય છે અને કામ સારું છે પણ કથિત જનજાતિ વણકરો ત્યાં પોતે બનાવેલ સાડીઓ આપે છે કે બીજાને ત્યાંથી લઈને આપી દે છે તે કહેવું અઘરું છે.
આટલા મહત્ત્વના તીર્થ સ્થાનોએ શાસન પ્રશાસન જેટલી વધુ વ્યવસ્થા કરે તેટલું વધુ સારું. તીર્થાટન વિકાસની અપાર સંભાવનાઓ છે.
વધુ ભક્તો આવે તેમ થાય એટલે મંદિરો પાસે પણ સંસાધનોનો કોઈ અભાવ ન રહે, યાત્રાળુ નિવાસ માટે ઉત્તમ વ્યવસ્થાઓ મંદિરો સ્વયં કરી શકે. સંકલિત ભોજન પ્રસાદ વ્યવસ્થા, અક્ષય પાત્ર સંસ્થાની જેમ પણ થઈ શકે. અમૂલ પણ આમાં ઉપયોગી થઈ શકે. એક યાત્રીને તીર્થ ક્ષેત્ર દ્વારા સ્વચ્છ નિવાસ અને આરોગ્યપ્રદ ભોજન પ્રસાદ મળે અને શાસન દ્વારા પરિવહન, સુરક્ષા અને સાર્વજનિક સ્વચ્છતા જેવી વ્યવસ્થાઓ મળે તો યાત્રી આવ્યા જ કરે અને શ્રદ્ધા જાળવવા સાથે શ્રદ્ધા અભિવ્યક્ત કરી શકે. સાથે સાથે સ્થાનિક પ્રજાને આજીવિકા મળ્યા કરે. ભગવાન ને ધરાવાતાં પ્રસાદ માટે પણ અમૂલ / અક્ષય પાત્ર જેવી શ્રેષ્ઠ સંસ્થાઓને મંદિરો સાથે જોડીને વ્યવસ્થાઓ થઈ શકે. વારાણસીમાં આવો પ્રયોગ થયો હતો તેમ જાણવા મળ્યું. પરંતુ તે પછીથી સ્થાનિક કારણોથી બંધ થઈ ગયેલ.
રામ જન્મભૂમિ મંદિરમાં બેંકને સોંપાયેલ ભાગમાં ચોરીની દુર્ઘટના હોય કે તિરુપતિ કે અંબાજીમાં પ્રસાદની ગુણવત્તા વિશે વાત આવી હોય તો તેવા પ્રશ્નોના નિરાકરણ ઇન્સ્ટિટ્યુશનલ એટલે કે સંસ્થાગત ધોરણે લાવવા જોઈએ. તાત્કાલિક પ્રતિક્રિયા જેવા ઉકેલ આપવાથી પ્રશ્નો માટે ભાગે ઉકેલાતા નથી.
સ્વચ્છતા માટે, જૈવ નિર્માલ્યની વ્યવસ્થા માટે મંદિર પરિસરમાં જ જૈવિક બાયોગેસ અને ઉર્વરક સંયંત્ર લાગી જાય તો સ્વચ્છતા પણ જળવાય.
સ્થાનિક કર્મકાંડી બ્રાહ્મણો, નાના વેપારીઓ, નાવિકો કે રિક્ષાચાલકો વગેરે સૌના હિતો જળવાય તે પણ ધ્યાનમાં રાખીને ઘણું થયું છે પણ હજુ ઘણું થઈ શકે તેમ લાગ્યું. ભિક્ષુકોની સમસ્યા પણ વિચારપૂર્વક અને વિવેકપૂર્વક ઉકેલ માંગે છે.
તુલના તો કરવા જેવી જ નથી પણ તો પણ વાતનું મહત્ત્વ દર્શાવવા માટે એક સહજ ઉલ્લેખ કરવો ટાળી ન શકાય. હજ યાત્રા જેવી વિદેશ યાત્રા, પરકીય યાત્રા માટે ભારતથી લઈને યાત્રા સ્થળ સુધી વ્યાપક પ્રબંધન થતું આપણે જોઈએ છીએ… તો આ તો ભારતની પોતાની યાત્રા છે, યાત્રા અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને સંપૂર્ણ ધ્યાન આપી વ્યવસ્થાઓ નિરંતર જાળવવા જેવી છે. અયોધ્યા કાશી સારનાથ જેવા યાત્રા સ્થળો રાષ્ટ્રીય અને આંતર્-રાષ્ટ્રીય મહત્ત્વના છે અને તે પ્રમાણે કેન્દ્ર સરકારે પણ વ્યવસ્થા માટે વિચાર કરવો જોઈએ, પર્યટન વિકાસની જેમ તીર્થ યાત્રા વિકાસ જેવી કેન્દ્રીય વ્યવસ્થા પણ થઈ શકે.
હવે મુખ્ય વાત આ છે - ધર્મના સાચા સ્વરૂપને ઉજાગર કરવા માટે આ ધર્મ સ્થળો જ યોગ્ય જગ્યાઓ છે. વેદ શાળા, યજ્ઞ શાળા અને ગૌ શાળા બધે બહુ જ સારી રીતે ચાલે તેવું કરવું જોઈએ. કોઈ પણ મંદિર આ ત્રણ શાળાઓ વિનાનું હોઈ જ ન શકે. મંદિરો ઋષિ મુનિઓના આશ્રમો જેવા તપ અધ્યયન ચેતના કેન્દ્રો બનવા જોઈએ. તપોભૂમિ બનવા જોઈએ.
જય શ્રી રામ.
જય બાબા વિશ્વનાથ.

Comments