મથુરા ગોકુળ ગોવર્ધન વૃંદાવન વ્રજયાત્રા - ભાગ બીજો
- In Travel
- 10:48 AM, Oct 13, 2026
- Viren S Doshi
૦૪/૨૦/૨૦૨૬
સવારે થોડાં મોડા ઉઠ્યા. સ્નાન વગેરે પતાવી પુનઃ યાત્રા પર.
દ્વારકાધીશ મંદિર
નગર નિગમ સ્વચ્છતા કર્મી હડતાળ. મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર કચરાના ઢગલાં ઠેર ઠેર. તેઓએ જાણી જોઈને કચરો માર્ગ વચ્ચે લાવીને રાખી દીધો હતો, વિરોધ સ્વરૂપે. મુખ્ય માર્ગ પર ગટરો ઉભરાતી હતી. મંદિર નજીક પહોંચીએ તેમ માર્ગ વધુ સાંકડો થતો જાય.
મંદિર સુધી કોઈ વાહન જઈ શકે તેમ નથી. છેલ્લા પોણો કિલોમીટર જેવું ચાલીને અથવા સાયકલ રિક્ષામાં જ જવાનું. ઢાળ પર સાયકલ રિક્ષા ચલાવવા ચાલકે બહુ બળ લગાવવું પડે.
એકદમ સાંકડી શેરીઓ. અત્યંત ભીડ. ઉભરાતી ગટરો. ચપ્પલ કાઢવાની જગ્યા પણ નહીં. બધાં જેમ તેમ ચપ્પલ કાઢી ભીડમાં અંદર પ્રવેશે.
છેવટે ભવ્ય મંદિરમાં દર્શન થયાં. રેલીંગ છે. જલ્દી જલ્દી આગળ વધવાનું એટલે બીજા ભાવિકો દર્શન કરી શકે.
પુષ્ટિ માર્ગનું મંદિર. પ્રસાદ લીધો. અંદરની વ્યવસ્થા સારી હતી. પુષ્ટિ માર્ગ અનુસાર સેવા પૂજા થાય છે. મંદિર ભવ્ય અને દિવ્ય છે. પુષ્ટિ માર્ગી વૈષ્ણવો બહુ જ શ્રદ્ધાથી દર્શન કરે.
બાજુમાં જ આવેલ વિશ્રામ ઘાટ ગયાં. કંસ વધ પછી કૃષ્ણ સ્વયં વિશ્રામ માટે આ ઘાટ પર આવેલા. એટલે નામ પડ્યું વિશ્રામ ઘાટ. આ ઘાટ મથુરાના જુના ઘાટ તરીકે જાણીતો છે. મહાપ્રભુજી અહીં બિરાજેલા. અહીં યમુના મૈયાની આરતી થાય છે. અમે ભીડભાડ વચ્ચે ભાવથી દર્શન કર્યાં. સૌ વતી પ્રાર્થના કરી.
પાણી વહેતું છે એટલે પ્રદૂષિત હોવા છતાં થોડું ઠીક. ઘાટ પર ગંદકી. નાના નાના મંદિરોના પૂજારીઓ અને ઘાટ પરના બ્રાહ્મણો સતત તમને પૂજા દાન માટે “આગ્રહ” કરે.
ઉપરવાસમાં આગળ યમુનાને કાંઠે કંસનો કિલ્લો છે. ત્યાં ન જવાયું. નાવમાં બેસીને પણ કિલ્લા સુધી જઈ શકાય. સંઘ કાર્યાલય ત્યાં છે. કિલ્લો લગભગ નામશેષ છે.
ભાદરવાની ગરમી ઘણી હતી. નિવાસે પરત. ભોજન. મધ્યાહ્ન વિશ્રામ.
મથુરાથી દક્ષિણે ગોકુળ છે. (આગ્રા પણ દક્ષિણે.) પશ્ચિમે ગોવર્ધન. ઉત્તરે વૃંદાવન. મથુરા મધ્યમાં. વ્રજનું કેન્દ્ર એટલે મથુરા.
સાંજે ગોવર્ધન.
ગોવર્ધન પર્વત સેંકડો કરોડ (અનુમાનિત ૩૦૦ કરોડ) વર્ષો જૂનો અરવલ્લી પર્વતમાળાનો પર્વત છે પણ ઘણો નીચો છે. આઠ કિલોમીટર લંબાઈ અને મહત્તમ એક કિલોમીટર પહોળાઈ. ઊંચાઈ ૮૦ કે ૧૦૦ ફૂટ. આન્યોર/જતિપુરા ઊંચામાં ઊંચી જગ્યા. ત્યાં મુખારવિંદ દર્શન થાય છે. ત્યાં ગોવર્ધન પર કોઈ ચડે નહીં, તે સાક્ષાત્ કૃષ્ણ છે. વ્રજ આખું કૃષ્ણમય. ગોવર્ધન પરિક્રમા ૨૧ કિલોમીટર કુલ. મધ્યમાં દાણ ઘાટી મંદિરેથી પ્રારંભ કરી દક્ષિણે જતિપુરા આન્યોર થઈ પૂછરી કા લોટા થઈ ત્યાંથી વળીને ઉત્તરે રાધા કુંડ શ્યામ કુંડ થઈ કુસુમ સરોવર થઈ પરત દાણ ઘાટી.
અમે કુસુમ સરોવર ગયા. ઉત્તમ સુંદર કલાત્મક સ્થાપત્ય. બાંધેલું સરોવર. અહીં કૃષ્ણ રાધાજી માટે ફૂલ વીણીને વેણી બનાવતા હતાં. એટલે નામ પડ્યું કુસુમ સરોવર.
અહીં દૃશ્ય શ્રાવ્ય કાર્યક્રમ થતો હશે તેમ લાગ્યું. બંધ સ્થિતિમાં હોય તેમ લાગ્યું. કોઈ ધ્યાન ન અપાતું હોય તેમ આખું સ્થાન બંધ પડી રહ્યું હતું.
સરોવરનું પાણી ગંધાતું છે. પાણીના આવરામાં ગંદકી ભયંકર. કોઈ પ્રાણી મરી ગયું હોય તેવી માથું ફાટી જાય તેવી દુર્ગંધ. શરમ આવી.
કુસુમ સરોવર અને મુખ્ય માર્ગ વચ્ચે ગોવર્ધન પરિક્રમા પથ છે, જે સંપૂર્ણ ગોવર્ધન ફરતે ૨૧ કિલોમીટર સુધી બનેલો છે. પોચી ઝીણી રેતીનો. અગણિત ભક્તો આ પથ પર ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. દિવસ રાત. કેટલાંક તો દંડવત્ કરતાં કરતાં પરિક્રમા કરે. અભૂતપૂર્વ ભક્તિ. ગોરા વિદેશીઓ પણ મોટી સંખ્યામાં. આ ભક્તિ ધારા જોઈને એમ જ નતમસ્તક થઈ જવાયું.
ત્યાંથી રાધા કુંડ ગામ ઉત્તરે. ત્યાં રાધા કુંડ અને શ્યામ કુંડ છે. બંને જોડાયેલા છે. રાધા કુંડ ચોકોર વ્યવસ્થિત આકારે. શ્યામ કુંડ બાંકેલાલ જેવો ટેઢોમેઢો. ભક્તો કુંડમાં દીવા પ્રગટાવી તરતાં મૂકે. સુંદર લાગે. અમે એ દિવ્યતાના દર્શન કર્યાં.
ગંદકી. સાંકડી શેરીઓ. રાધા કુંડ ગ્રામ પંચાયત છે. વ્યવસ્થા ઓછી પડે. પદયાત્રા કરીને જવાનું. અથવા ટોટો રિક્ષામાં જઈ શકાય. માર્ગ એવો કે રિક્ષા ખખડતી ચાલે. તમે બેસો કે તરત રિક્ષાવાળો સ્થળનું મહત્ત્વ સમજાવવા લાગે. પણ એના બોલ સાંભળવામાં રિક્ષા ખખડે છે તે ભૂલી જવાય…
અહીં પણ પદયાત્રા અવિરત. ગોવર્ધનનો આ ઉત્તરી છેડો. પદ યાત્રીઓને આપણે જેમ અંબાજી કે ડાકોર જતાં હોઈએ તો બધી જ સુવિધાઓ મળે તેવી કોઈ વ્યવસ્થા ન મળે. પણ ભક્તિ આગળ અગવડ વિસરાઈ જાય.
પછી અમે પરત દક્ષિણ બાજુ દાણ ઘાટી મંદિર આવ્યા. અંધારું થયું હતું. દાણ ઘાટી સુધી કોઈ વાહન ન જવા દે. ટોટો રિક્ષા.
સ્થાનિક વ્યવસ્થા. મંદિરમાં પૂજારીઓની બોલબાલા. દાન માટે તમને અત્યાગ્રહ કરી પ્રેરે. ખેર…
અહીં શ્રીકૃષ્ણએ દાણ ઉઘરાવવાની પ્રથા કરી હતી. મથુરા દૂધ આપવું હોય તો દાણ આપીને જાઓ. પોતાના છોકરાંને દૂધ ન આપો અને કંસ દૂધ પડાવી જાય તે નહીં ચાલે. અહીં અમે ભાવથી દર્શન કર્યાં.
પરત મથુરા. બ્રિજવાસીમાં ભોજન. રાત્રિ વિશ્રામ ઉતારે.
૦૫/૧૦/૨૦૨૬
સવારે વહેલા ઉઠ્યાં. પાણી આવતું બંધ થઈ ગયું. કહ્યું એટલે થોડી વારે આવ્યું. વીજળી પણ વચ્ચે વચ્ચે જતી રહે.
આજે ઉત્તર દિશામાં યાત્રા.
મથુરા બિરલા મંદિર વૃંદાવનના માર્ગે જ છે. વ્યવસ્થિત મંદિર. વિષ્ણુ લક્ષ્મી વિરાજે છે. ગીતા એક સ્તંભ પર કોતરેલ છે. બધાં ૭૦૦ જેટલા શ્લોકો.
દર્શન કર્યાં. સૌ માટે પ્રાર્થના કરી. પાર્કિંગ છે, મંદિરનું પોતાનું. સ્વચ્છ મંદિર. માર્ગની સામે મંદિરની ધર્મશાળા પણ છે. અમે જોવા ન ગયા. કેમ કે વૃંદાવનના મંદિરો બાર વાગે બંધ થઈ જાય.
નગર નિગમની ગટર મુખ્ય માર્ગ પાસે છે તેમાંથી ગંદી વાસ આવતી હતી. અન્યથા કોઈ સમસ્યા નહીં.
માર્ગમાં સાઘ્વી ૠતુંભરાજી દ્વારા સંચાલિત સૈનિક શાળા અને સેવા કેન્દ્ર. તેઓ બહારથી આવેલા પણ તેમને મળવામાં વાર લાગે તેમ હતું એટલે દર્શન માટે રોકાઈ શકાય તેમ ન હતું. સમય સીમા. અમે આગળ વધ્યાં.
પાગલબાબા મંદિર
આ એક મોટું મંદિર બની રહ્યું છે. એક ન્યાયાધીશ કોઈ ચમત્કાર જોઈને બંગાળ છોડી વૃંદાવન આવી ગયા હતા તેમની સ્મૃતિમાં બન્યું છે. તેઓ ભક્તિમાં લીન રહેતાં, કપડાં પણ ફાટેલા હોય. એટલે લોકો એમને પાગલબાબા કહેતાં. મંદિરમાં હજુ નિર્માણ ચાલે છે. બંગાળી ભક્તો થોડાં હતાં. પરિસરમાં અન્ય મંદિરો પણ છે.
અમે સૌ વતી દર્શન કરી આગળ વધ્યાં.
બાંકે બિહારી મંદિર
હરિદાસજી કે જેઓ તાનસેનના ગુરુ હતાં તેમની સાથે જોડાયેલું આ મંદિર છે. તેમનો અલગ સખી સંપ્રદાય છે જે પ્રમાણે આ મંદિરમાં પૂજા થાય છે. મોટું ભવ્ય મંદિર છે. દિવ્યતા અનુભવાય તેવું મંદિર છે. મૂર્તિ મનોહર છે. વૃંદાવનનું સૌથી વધુ મહિમા ધરાવતું આ મંદિર કહેવાય. સિદ્ધ મૂર્તિ છે તેમ બધાં કહે. હરિદાસજીએ સંગીત સાધના કરતાં કરતાં ભક્તિપૂર્વક અરજ કરી પ્રગટાવેલ દિવ્ય મૂર્તિ છે તેમ કહેવાય છે. તેઓ લલિતા સખીનો અવતાર હતાં તેમ કહે છે.
મંદિર સુધી વાહન તો નથી જતું, પણ અમુક અંતર પછી તો રિક્ષા પણ નથી જતી. ચાલીને જવાનું પણ અઘરું થઈ જાય, સાવ સાંકડી વાંકીચૂંકી “બાંકી” શેરીઓમાં થઈને જવાનું. ભયાનક ભીડમાં ખુલ્લી ગટરમાં પગ ન પડે તેનું ધ્યાન રાખવાનું. અંદર જાવ એટલે રેલીંગમાં જલ્દી જલ્દી આગળ જવાનું અને દર્શન કરી તરત આગળ વધવાનું, બીજા ભક્તો દર્શન વિના રહી ન જાય. બાર વાગે મંદિરના દ્વાર બંધ થઈ જાય. શેરીની બંને બાજુ પ્રસાદના વેપારીઓ તમને પકડીને પ્રસાદ લેવા કહે. ભિક્ષુકો પણ ખરા જ.
આ મંદિરે કોઈ વડીલને લઈ જવા હોય તો બહુ સંભાળવું પડે. ન લઈ જવાય.
અમે સૌ વતી બાંકે બિહારીજીના દર્શન કરી તેમની જય બોલાવી આગળ વધ્યાં.
ભારતમાં નીમ કરોલી બાબાનું મોટું નામ છે. વૃંદાવનમાં તેમનું સમાધિ સ્થળ છે. હનુમાનજી મંદિર છે. ત્યાં દર્શન કર્યાં.
પ્રેમ મંદિર નામથી મોટું મંદિર છે.
કૃપાળુ મહારાજ આ મંદિરના સ્થાપક ગણાય. મુખ્ય માર્ગો પર પણ અવરોધક લગાવેલ હતાં. અમે બહારથી જ દર્શન કરી આગળ વધ્યાં. ગરમી ઘણી હતી.
વૃંદાવન મંદિરોની નગરી છે.
ઈસ્કોન મંદિરે જવાના મુખ્ય માર્ગ પર પણ અવરોધકો. પાર્કિગની વ્યવસ્થા મંદિર નજીક નહીં હોવાથી અવરોધક પહેલાં જ વાહન દૂર મૂકી દેવું પડે. રિક્ષા કરી. માંડ માંડ સમય પર પહોંચ્યા.
સ્વચ્છ મંદિર. પવિત્ર સ્થળ લાગે. દર્શન કર્યાં. મંદિરમાં ભાવપૂર્ણ શ્રદ્ધાપૂર્ણ નિષ્કામ ભક્તિનું દિવ્ય વાતાવરણ હતું. તે ભક્તોની ભક્તિ જોઈને નતમસ્તક થઈ જવાયું. વિદેશી ભક્તો પણ ભક્તિમાં લીન. ત્યાં પરિસરના અન્ય મંદિરોમાં દર્શન કર્યાં.
શ્રીલ પ્રભુપાદ જ્યાં રહ્યાં હતાં તે ઘર મંદિર પરિસરમાં જ છે. તેના દર્શન કર્યાં. તેમની સ્મૃતિના ઘણા ચિહ્નો અને વસ્તુઓ અહીં છે. ભક્તો માટે વ્યવસ્થા સારી છે. ગોવિંદા ભોજન ગૃહમાં ભોજન પ્રસાદ લીધો. થોડું મોંઘું લાગે પણ સ્વચ્છ અને સાત્ત્વિક.
ફરી માથું નમાવી આગળ વધ્યાં.
અન્યાન્ય મંદિરો જેમાં શ્રી રંગ મંદિર, પ્રણામી મંદિર, કાત્યાયની મંદિર, પ્રેમાનંદ આશ્રમ, ચંદ્રોદય મંદિર વગેરે છે પણ અમે ત્યાં ન ગયાં. ઘાટો પર કે બરસાના વગેરે સ્થાનો પર પણ ન ગયાં.
નિધિ વન પણ જઈ ન શકાયું. વ્રજના દ્વાદશ વન નષ્ટ થઈ રહ્યાં છે. વિકાસને કારણે અને પાણીના અભાવે.
રાજ માર્ગ પર એક ચારધામ મંદિર છે ત્યાં બહારથી દર્શન કર્યાં.
યાત્રા સંપન્ન કરી.


નિષ્કર્ષ અને એક ગંભીર ચેતવણી
શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિર અને બિરલા મંદિર સનાતન ધર્મની અને શ્રદ્ધા ભક્તિની જ્યોત અખંડ રાખવામાં ભૂતળ પરના બહુ જ મહત્ત્વના પવિત્ર દિવ્ય સ્થળો છે. સનાતન ધર્મના પોતપોતાના ન્યાસ દ્વારા આ મંદિરો સંચાલિત છે.
મથુરા દ્વારકાધીશ મંદિર, વૃંદાવન બાંકે બિહારી મંદિર અને ગોકુળ રમણ રેતી મંદિર - અહીં પણ બહુ જ ભક્તો હતાં. તેમાંના પણ મહદ્અંશે સામાન્ય લોકો હોવા છતાં અને કદાચ તેમની પાસે યાત્રા કરવા જેટલું ધન જેમ તેમ એકત્રિત કર્યું હોય તેમ હશે છતાં પણ બહુ જ ભાવથી યાત્રા કરવાવાળા જણાયા. જે તે સંપ્રદાય દ્વારા આ મંદિરો સંચાલિત છે પણ ધાર્મિક પ્રજામાં પ્રચલિત થયેલ મંદિરો છે. એટલે બીજા સંપ્રદાયના ભક્તો પણ આવે.
કૃષ્ણ જન્મ સ્થાન, ઈસ્કોન મંદિર અને વ્રજ પરિક્રમા - આ ત્રણ સ્થાનો પર નિષ્કામ ભક્તિ વિશેષ ઉમટી પડેલી દેખાઈ.
નંદ યશોદા ઘર મહત્ત્વપૂર્ણ સ્થળ કહેવાય. તે માટે સ્થાનિક ટ્રસ્ટ બનેલ છે. તેની ક્ષમતા, દૃષ્ટિકોણ અને હેતુ મર્યાદિત છે. રાષ્ટ્રીય મહત્ત્વનું આ સ્થળ છે. તે પ્રમાણે તેની વ્યવસ્થા થઈ શકે તો સારું થાય.
યાત્રાળુઓ માટે જેટલી અનુકુળતાઓ સુવિધાઓ ઊભી કરી શકાય - સમાજ દ્વારા, સંસ્થાઓ દ્વારા, સંઘ સંગઠન દ્વારા, સરકારો દ્વારા; તેટલી સુવિધાઓ અનુકુળતાઓ અવશ્ય ઊભી કરવી જોઈએ.
યાત્રાનો ભાવ આદર માંગે છે, વેપાર તો બીજે ક્યાંય પણ થઈ શકે. આમાં ભક્ત અને તેના ભગવાનની વચ્ચે વેપાર કે સરકાર અંતરાય બનીને આવે કે આવવું પડે તે યોગ્ય નથી.
સ્વચ્છતા, સુરક્ષા, ભોજન પ્રસાદ, પાર્કિંગ, માર્ગ વ્યવસ્થા, આવાસ વ્યવસ્થા - આ બધું વિચારપૂર્વકનું આયોજન માંગે છે.
ઈસ્કોન મંદિરની ગોવિંદા ભોજન વ્યવસ્થા છે. ત્યાં પૂછ્યું કે તમારે જે દૂધ દહીં છાશ ઘી વગેરે જોઈએ તે ક્યાંથી લાવો છો તો તેમણે કહ્યું કે તેઓ આનંદા ડેરીમાંથી લાવે છે. દૂધની ગુણવત્તા અને ગાયોના લાલનપાલન કેવાં હશે તે પ્રશ્ન થાય. બ્રિજવાસી એ અહીંની સ્થાનિક ભોજન વ્યવસ્થામાં જાણીતી વેપારી પેઢી છે, તેની મથુરા અને વૃંદાવનમાં થઈને સાત રેસ્ટોરાં છે. ત્યાં એક કર્મચારીને પૂછ્યું તો કહે કે તેઓ છૂટક દૂધ વેચતા બાંધેલા દુધિયાઓ પાસેથી દૂધ લે છે. ગુણવત્તા ચકાસે છે તેમ કહેતાં હતાં પણ એમ લાગ્યું કે કેટલું ધ્યાન આપી શકતા હશે?
વ્રજ વિશે જે કલ્પના હોય કે તે તો રમણીય સ્થળ હોય, આધ્યાત્મિક ભાવથી ભરેલું શાંત નિર્મલ સ્થળ હોય, ગાય માતા અને તેના વાછરડાંથી ગુંજાયમાન સ્થળ હોય…તે કલ્પના સાકાર થવામાં ઘણું કરવાનું છે. વ્રજનો અર્થ જ ગાયોનો પ્રદેશ એમ થાય છે. ગૌશાળા યજ્ઞશાળા વેદ શાળા પણ આ બધે હોવાં જોઈએ.
વ્રજના વનોના સંરક્ષણ સંવર્ધન માટે પણ ઉચિત પ્રયાસો થવા જોઈએ. જંગલી બાવળ હટાવી વ્રજના મૂળ વૃક્ષો - તુલસી (વૃંદા), કૃષ્ણ કદંબ, વર્ના, તમાલ, વડ, પીપળો, લીમડો, પાખડ, પીલુ, મોલશ્રી, ખીરની, આંબા, આમળા, બેલ, બહેડા, અર્જુન, પલાશ (ખાખરો, કેસૂડો) વગેરે ઉગાડવા માટે વ્રજ તીર્થ વિકાસ પરિષદના માધ્યમથી ઉત્તર પ્રદેશ સરકાર પ્રયાસ કરી રહી છે. પાણીની સમસ્યા વન નષ્ટ થવાનું કારણ છે. જો કે તેના ઉપાય માટે પણ વન પુનઃ ઉભા કરવા આવશ્યક છે. આ પરિષદ અન્ય કેટલાંક મહત્ત્વના કામો પણ કરી રહી છે.
ઉત્તર પ્રદેશની સરકારે બ્રજ તીર્થ વિકાસ પરિષદ બનાવેલ છે, પરંતુ ૨૨ - ૨૫ કરોડની જનસંખ્યા ધરાવતા ઉત્તર પ્રદેશ પ્રાંતમાં દક્ષિણ પશ્ચિમી છેવાડે આવેલ મથુરા વિસ્તારમાં વ્રજ રાજ્ય/પ્રાંત બને તો સારું થાય જેથી પ્રશાસન વધુ સક્ષમ અને તેજ થઈ શકે.
અને હવે છેલ્લે મુખ્ય અને ગંભીર વાત.
વ્રજનો સૌથી મોટો પ્રશ્ન હોય તો એ પાણીની સમસ્યા છે. યમુના વહે છે ખરી પણ તે ઉપરથી આવતું કે વરસાદી પાણી લઈને વહે તેવું તો માત્ર હવે વર્ષના ત્રણ મહિના પૂરતું જ રહ્યું છે, પછી તો નવ મહિના તેમાં જે પાણી વહે છે તે ભૂતળનું પાણી અને દિલ્હી મથુરા જેવા મહાનગરોના નિકાસ કરેલા પ્રદૂષિત પાણી છે. આ એક કડવું સત્ય છે.
વ્રજના બધાં જ જનપદોમાં તળના પાણી બહુ જ તેજ ગતિથી ઊંડા ઉતરી રહ્યાં છે અને એ સમય દૂર નથી કે વ્રજ પણ વ્રજમાંથી રણ બની જશે…બની રહ્યું છે…આમાં કોઈ અતિશયોક્તિ નથી.
મથુરાની આસપાસ ગોકુળ - વૃંદાવન - ગોવર્ધન સહિતના સ્થાનોમાં પાણીની વાર્ષિક આવક કરતા જાવક વધુ છે. એટલું જ નહીં તો વર્ષાનુવર્ષ જાવક વધતી જાય છે અને આવક ઘટતી જાય છે. ભૂતળ પાણી ૪૦૦ ફુટ ઊંડા જતાં રહ્યાં છે અને પ્રતિ વર્ષ ૧૦, ૨૦, ૩૦ ફૂટ વધુ ઊંડા જતાં જાય છે.
વ્રજમાં ગંગા નહેર કે યમુના નહેરની સુવિધા બહુ જ મર્યાદિત છે અને તેમાં પણ ઓખલા અને ગોકુળ બરાજના એકદમ પ્રદૂષિત પાણી જાય છે જે ભૂમિને પણ પ્રદૂષિત કરે છે.
કરોડો યાત્રીઓનો નિરંતર પ્રવાહ અને જાટ ગામોમાં બાજરાને બદલે ડાંગર/ચોખાની ખેતી - આ પાણીનું સંતુલન ૠણ થવા માટેના મુખ્ય કારણો છે.
પાણીની આ ગંભીર સમસ્યા યમુના, વ્રજ, વ્રજવાસીઓ અને સમસ્ત સમાજ - રાષ્ટ્ર - ધર્મ સામે એક મોટો પડકાર છે. એના ઉકેલ માટે નિષ્ણાતોએ કામે લાગવું પડશે. તો જ વ્રજ બચી શકે. કોઈએ આ ખતરાની ઘંટડી વગાડી છે કે નહીં તે ખબર નથી પણ અમને તો સ્પષ્ટ આવું જણાયું એટલે અમે આ ભય અહીં વ્યક્ત કર્યો છે.
વૃંદાવનથી દિલ્હીના પશ્ચિમી ભાગ સ્થિત દ્વારકા જતાં અનેક ધોરી માર્ગો બન્યાં છે જે બદલવા માટે આવશ્યક માર્ગદર્શક સંકેતો વધુ સચોટ હોવાં જોઈએ એમ અમને પરત ફરતી વખતે અનુભવાયું.
ધરતીના છેડે ઘર હેમખેમ પરત. યાત્રા સંપન્ન. અસ્તુ.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી રાધે. જય શ્રી યમુના મૈયા. વ્રજ કી જય હો…
ભારત માતા કી જય...

Comments