મથુરા ગોકુળ ગોવર્ધન વૃંદાવન વ્રજયાત્રા - ભાગ પહેલો
- In Travel
- 11:00 AM, Oct 12, 2026
- Viren S Doshi
મથુરા ગોકુળ ગોવર્ધન વૃંદાવન વ્રજયાત્રા - તીર્થયાત્રા વર્ણન
વ્રજયાત્રા અને તે અંતર્ગત વિવિધ પરિક્રમાઓ ભારતની પ્રમુખ તીર્થયાત્રાઓ પૈકી ગણાતી યાત્રા છે. વર્ષભર તીર્થયાત્રીઓ અહીં આવે છે.
૦૨/૧૦/૨૦૨૬
દિલ્હીથી ૧ વાગે બપોરે સપરિવાર પ્રસ્થાન. માર્ગમાં એકાદ સ્થાન પર ટૂંકો વિરામ. મથુરા અતિથિ ગૃહમાં નિવાસ. રાત્રિ ભોજન અને વિરામ.
૦૩/૧૦/૨૦૨૬
શ્રી કૃષ્ણ જન્મ સ્થાન દર્શન
અમે વહેલા ઊઠી તૈયાર થઈ દર્શન માટે પ્રસ્થાન કર્યું. શ્રી કૃષ્ણ જન્મ સ્થાન મંદિરના પ્રવેશ દ્વાર સુધી ગાડી જઈ શકે છે. સુરક્ષા વ્યવસ્થા ઉત્તમ છે.
પાંચ સહસ્ત્ર વર્ષો પહેલાં શ્રી કૃષ્ણના જન્મ સમયે કેવું વાતાવરણ હશે તેવો ભાવ મનમાં ઉપજ્યો.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ એટલે કંસના કારાવાસની જગ્યા. અહીંથી થોડે દૂર યમુના કિનારે કંસનો કિલ્લો છે. કારાવાસની એક બાજુ યમુના તરફ ખુલતી હતી. આ કારાવાસના કથિત ૭ ભાગ પૈકી ૬ ભાગ ઉપર બનેલ મંદિરને ધ્વસ્ત કરીને ઈ.સ. ૧૬૭૦માં મુસ્લિમ આતંકી ઔરંગઝેબના આદેશથી ધર્માંધ મુસ્લિમ આક્રમકોએ આ ઈદગાહ મસ્જિદના નામે ઓળખાતો ઢાંચો બનાવી દીધેલ છે. કહે છે કે તેમાં કારાવાસ મંદિરના અવશેષો છે જે સર્વેક્ષણ કરીને ચિહ્નિત કરવા જોઈએ અને ઉત્ખનન પણ કરવું જોઈએ, ઉત્ખનન થાય તો નીચેથી પણ અવશેષો મળી શકે.
આ બધું જોઈને આપણને અવશ્ય વિષાદ થાય. બધાં ભક્તો આ જોઈ જોઈને દુઃખ કરતાં હતાં અને બોલતાં હતાં કે ન્યાયાલયમાં ચાલતા વિવાદનો નિર્ણય તરત થવો જોઈએ. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા પર ઘા કરવાનું યોગ્ય નથી.
કારાવાસના જે કક્ષમાં શ્રીકૃષ્ણ જન્મ્યાં હતાં તે કક્ષ આ ઈદગાહ મસ્જિદની પાછળની દીવાલને અડીને છે તેમ મનાય છે. તેના દર્શન માટે સવારથી ભક્તોની લાંબી પંક્તિઓ લાગી છે.
માતા દેવકીની કૂખે જન્મ લીધો તે સ્થાન જોઈને ભાવવિભોર થઈ જવાયું. પ્રણામ કર્યાં. સૌ માટે પ્રાર્થના કરી. પિતા વાસુદેવ તેમને યમુના પાર કરી ગોકુળ મૂકી આવ્યાં હતાં.
ધ્વસ્ત કારાવાસ મંદિરના આ ગર્ભગૃહની પાછળ ઈદગાહ મસ્જિદ ઢાંચાની તરત જ બાજુમાં તે ઢાંચાના મિનારાથી પણ ઉન્નત શિખરો યુક્ત વિશાળ સ્વચ્છ કૃષ્ણ મંદિર સુશોભિત છે જેની ફરકતી ધ્વજા એ સિદ્ધ કરે છે કે સનાતન ધર્મ અજેય છે…સનાતન છે.
સોમનાથ, કાશી, અયોધ્યા બધે જ ધ્વસ્ત મંદિરોની બાજુમાં અમર પક્ષીની જેમ નવા મંદિરો બની ગયા છે તેમ અહીં પણ આ નવું મંદિર જાણે કે એમ કહી રહ્યું છે કે હું તમને યાદ આપવા માટે જ ઉભું છું કે મૂળ મંદિર પુનઃ નિર્મિત થાય તે માટે તમે કટિબદ્ધ થાઓ.
આ મંદિરના પગથિયા ઘણાં છે, લિફ્ટ છે. મંદિર ઊંચું કરવા માટે પગથિયાં વધારીને ઊંચાઈ લીધી છે.
આ નૂતન મંદિરમાં શાંતિથી દર્શન થઈ શકે છે. વિશાલ સભા મંડપ છે એટલે દર્શનાર્થીઓની ગમે તેટલી સંખ્યા હોય તો પણ અંદર સમાઈ જાય અને દર્શન શાંતિથી કરી શકે. કોઈ ત્યાંથી એમને હટાવતાં નથી, રેલીંગ નથી, મૂર્તિ સન્મુખ વિશાળ પટ છે એટલે સૌ શાંતિથી ઊભા રહી દર્શન કરે છે. દંડવત્ કરે છે. મંદિર સ્વચ્છ છે અને તેના પરિક્રમા માર્ગમાં અને સભામંડપમાં દેવો-દેવીઓના મંદિરો છે. અનેક સંતોના આરસ પહાણમાં કોતરેલાં બોધપ્રદ ભીંતચિત્રો છે.
સભા મંડપના સામેના છેડે પંડિત મદન મોહન માલવીય, શ્રી હનુમાનપ્રસાદ પોદ્દાર અને શ્રી જુગલ કિશોર બિરલાની વંદન કરતી સ્થિતિમાં ઊભેલી માનવ કદની પ્રતિમાઓ છે.
આ મંદિર માટે અને પરિસરમાં બનેલા કેશવ દેવ મંદિર માટે દાલમિયા પરિવારે પણ બિરલા પરિવાર સાથે મળી દાન આપેલું છે.
મંદિર પરિસરમાં કથા થઈ શકે તેવો વિશાળ કથા મંડપ / લીલા મંડપ છે.
આ સ્થળની ઉત્તમ જાળવણી જન્મ ભૂમિ સંસ્થાન દ્વારા થાય છે. (જન્મભૂમિ જમીન ટ્રસ્ટ અલગ છે.) જન્મભૂમિ સંસ્થાન દ્વારા યાત્રિકો માટે પ્રસાદ વ્યવસ્થા, નિઃશુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અને શૌચાલય વ્યવસ્થા છે. પગરખાંની, લોકરની તથા વ્હીલ ચેરની પણ વ્યવસ્થા છે.
ભિક્ષુકો કે અન્ય કોઈનો ત્રાસ અહીં મંદિરની અંદર નથી. સૂચના લખેલી છે કે વીઆઈપી દર્શનના નામે કોઈ પૈસા માંગે તો આપવા નહીં. મંદિરમાં સુરક્ષા કર્મીઓ અને સ્વચ્છતા કર્મીઓની વર્તણૂંક સારી હતી. કોઈએ પૈસા માંગ્યા નહીં.
પૂજા સામગ્રી વગેરેની દુકાનો છે, બધું વ્યવસ્થિત છે.
પાર્કિંગ વ્યવસ્થા નગર નિગમની છે, અને નિજી પાર્કિંગ પ્લોટ પણ હોય છે. બધે ૧૦૦ રૂપિયા ચાર્જ હોય છે. નગર નિગમ કોન્ટ્રાકટરને સોંપી દે અને ચાર્જ તે લે તેવું હશે.
પાર્કિંગ માટે ખાડાવાળી ઉબડખાબડ જગ્યા છે. આમાં સુધારો કરવો જોઈએ. મંદિર પોતે પાર્કિંગ વ્યવસ્થા કરી શકે તો સૌથી ઉત્તમ. મંદિર સુધી જવા આવવાના માર્ગો વધુ પહોળાં કરવા જેવું છે.
મથુરા વૃંદાવન નગર નિગમના સ્વચ્છતા કર્મીઓ આ દિવસોમાં હડતાળ પર હતાં એટલે કચરાના ઢગલાં અને ઉભરાતી ગટરો જોઈને શરમ આવતી હતી કે આપણા યાત્રા ધામ / શ્રદ્ધા કેન્દ્ર / ધર્મસ્થળ / તીર્થ સ્થળ પર આવું કેવી રીતે ચાલે.
મસ્જિદ ઢાંચા વિશેનો ન્યાયાલયનો નિર્ણય આવ્યા પછી મૂળ સ્થાન પર ભવ્ય દિવ્ય મંદિર, યાત્રી નિવાસ, સંત નિવાસ, વિવિધ સેવા કેન્દ્રો, ગૌ સેવા - ગૌ શાળા અને વેદ પઠન પાઠન કેન્દ્ર થાય તેવી વિસ્તૃત યોજના થવી જોઈએ. ગૌશાળા, વેદશાળા કે યજ્ઞ શાળા છે કે નહીં તે જાણવાનું કે જોવાનું રહી ગયું. મંદિરોની આવકો યાત્રી સુવિધા, ગૌ સેવા, વેદ પઠન, ઈતિહાસ પઠન - આમાં પ્રાથમિકતાપૂર્વક વપરાય તે અગત્યનું છે.
પોતલા કુંડ જોયો, જે જન્મસ્થાન પાસે છે. વિશાળ કુંડ છે. આમાં શ્રી કૃષ્ણ ભગવાનના વસ્ત્રો ધોવાતાં હતાં તેમ સ્થાનિકોએ જણાવ્યું. કુંડ સ્વચ્છ કરવા જેવું છે.
ગોકુળ પ્રસ્થાન
ગોકુળના મુખ્ય મંદિરો, વિશેષે રમણ રેતી મંદિર ૧૨ વાગે મધ્યાહ્ન વિશ્રામ માટે બંધ થઈ જાય છે એટલે અમે ગોકુળ જવા આગળ વધ્યાં.
મુખ્ય માર્ગ તો સારો છે પણ અંદરના માર્ગો સુધારી શકાય તેવાં છે.
ગોકુળના બધાં સાર્વજનિક સ્થળો સ્થાનિક ગ્રામ કે નગર વ્યવસ્થામાં છે, જ્યારે ધાર્મિક સ્થળો જે તે સંપ્રદાય સંસ્થાના કે સ્થાનિક સંસ્થાના વ્યવસ્થાપનમાં છે.
આપણા મનમાં ગોકુળની જે કલ્પના હોય તે આજના ગોકુળમાં સાકાર કરવા માટે ઘણું કામ કરવું જોઈશે.
યમુનામાં મથુરા અને દિલ્હીનું શહેરી પ્રદૂષણ વ્યાપક પ્રમાણમાં ભળેલું છે. ગોકુળ બરાજમાં થઈને આગળ વહેતું કાળું દુર્ગંધયુક્ત પાણી જોઈને પીડા થાય. પવિત્ર ઠકુરાણી ઘાટ અને દિવ્ય બ્રહ્માંડ ઘાટ પર આ પ્રદૂષણ જોઈને શરમ આવી. નદીઓને પૂજનાર દેશમાં પવિત્ર નદીઓના પાણી પ્રદૂષિત કેવી રીતે થઈ ગયાં?
જનસંખ્યા વધુ હોઈ ગ્રામીણ યુવકો આજીવિકા માટે બીજા સાધન ટાંચા હોવાથી અથવા ટેવ પડી તેથી અથવા આ સહેલાઈથી મળી ગયું કે ફાવી ગયું તેથી યાત્રિકો ઉપર જ આધારિત હોય તેમ લાગ્યું. "હું બ્રાહ્મણનો દીકરો છું, ચાલો તમને યાત્રા કરાવી દઉં"...આવું તમે ગોકુળ જવાના માર્ગેથી ગ્રામીણ માર્ગે પ્રવેશ કરો ત્યારથી જ તમને સંખ્યાબંધ યુવકો ઘેરી વળે અને કહેવા લાગે. તેમાં સાચું ખોટું ભળતું સળતું બોલી યેન કેન પ્રકારેણ તમને પટાવી લે.
અમે પણ માવા મસાલા ખાતાં એક બ્રાહ્મણ યુવક સાથે બધે જવાનું યોગ્ય સમજ્યું. કેમ કે સ્થળોની માર્ગદર્શિકા આપતી કોઈ સુચારૂ વ્યવસ્થા નથી, રાજ્ય કે કેન્દ્ર પ્રશાસન પણ અહીં બહુ દેખાતું નથી.
ગાયોના ધણ હોય તે જગ્યા વ્રજ કહેવાય, નંદ બાબા ગોપાલક અગ્રણી હતાં. પણ આજના વ્રજમાં કે ગોકુળમાં ગોપાલન ફરી ધમધમતું થાય તે માટે ઘણું કરવું પડે તેમ લાગે છે.
આપણને જોઈતા ભક્તિમય વાતાવરણમાં વેપારીકરણ આડું આવે તેવું છે. ખેર…
અમે સૌ પ્રથમ રમણ રેતી ગયાં. ત્યાં મંદિરમાં દર્શન કર્યાં. બહુ ભીડ હતી.
અહીં સંપ્રદાય સંસ્થાની વ્યવસ્થા છે. આશ્રમ છે. સંતો સાધના કરે છે. ગૌશાળા છે. અતિથિ નિવાસ છે. નિવાસના નિયમો હશે પણ અમે તે જાણવા ન ગયા, સમયની મર્યાદા હતી.
અહીં આશ્રમની અંદર પરિસરમાં ઝીણી સુંવાળી શ્વેત શ્યામલ રેતીમાં આળોટવાનું માહાત્મ્ય છે. ભગવાન અહીં આળોટેલા એટલે તેનું મહત્ત્વ છે. ગોકુળના ગધેડા થવું સારું તે પણ આ પરથી કહેવાય છે. આ પરથી આપણે ગોકુળના ગોવાળિયા અને ગોપીજનો કેટલા ભાગ્યશાળી હશે તે સમજી શકીએ.
કેટલાંક ભક્તો માર્ગદર્શક તરીકે આવેલ સ્થાનિકોના કહેવાથી તેમની સાથે આ રેતીના બે ચાર દાણા પ્રસાદ સમજી ખાઈ જતાં હતાં…કેવી અતૂટ શ્રદ્ધા…!
કોઈએ ભંડારો લગાવેલ હતો પણ અમે પ્રસાદ લેવા ન ગયાં, સમય સીમા.
ભાદરવાની ગરમી પણ આકરી લાગતી હતી, એટલે અમે આગળ વધ્યાં.
બ્રહ્માંડ ઘાટ ગયાં. માર્ગ બહુ સાંકડો. પ્રવાસી બસો ઘણી. યાતાયાત સ્થિતિ ગંભીર. ઘાટ પર મંદિર છે. સ્વચ્છતા સુધારો માંગે તેવી. અહીં માતા યશોદાને માટી ખાઈ ગયેલ બાળ કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ દર્શન થયેલ. એટલે બ્રહ્માંડ ઘાટ. યમુના નદી પર ઘાટ છે.
પાણી પ્રદૂષિત. ઘાટ અસ્વચ્છ. વ્યવસ્થા શિથિલ.
બધે સૌ માટે પ્રાર્થના કરીએ છીએ તેમ પ્રાર્થના કરી. દર્શન કરી આગળ વધ્યાં.
ચિંતા હરણ મહાદેવ
આ સ્થાન પણ યમુના કાંઠે. વ્યવસ્થા બધી આગળ કહ્યું તેવી જ.
અહીં મહાદેવજી કૃષ્ણના દર્શન કરી પછી વિશ્રામ કરવા રોકાયેલા. યશોદાને લાલાની ચિંતા રહેતી હતી, તે મહાદેવે દૂર કરી આપી, આશિષ આપીને. એટલે ચિંતા હરણ મહાદેવ.
મહાવન થઈ પરત. એ મુસ્લિમ બહુલ ગામ છે. ત્યાં પણ નંદ ઘર છે તેમ કહ્યું પણ તે કદાચ એમ જ બની ગયું હશે તેમ લાગ્યું.
ગોકુળ ગામમાં અંદર ગયાં. સાંકડી શેરીઓ. અસ્વચ્છ. ખુલ્લી ગટરો.
નંદ યશોદા ઘર પહોંચ્યા.
પ્રાચીન દેશી ઘર છે, તેમાં મંદિર છે અને બીજા નાના મંદિરો છે. ભગવાનના છઠ્ઠીના લેખનું સ્થળ છે. નંદ યશોદાના ઘરમાં અમે ભક્તિપૂર્વક દર્શન કર્યાં. કાનાનું ધ્યાન ધર્યું. એક સમય હશે કે કૃષ્ણ અહીં કાલીઘેલી ભાષામાં કિલકિલાટ કરતાં હશે અને ભાંખોડિયા ભરતાં હશે.
વ્યવસ્થા સ્થાનિકોના હાથમાં છે. તેમણે ટ્રસ્ટ બનાવેલ છે પણ તે ટ્રસ્ટ વ્યવસ્થિત નહીં હોય તેમ લાગ્યું. વેપારીકરણ થયેલું હોય તેમ જણાય છે. દાન આપવા માટે માનસિક દબાણ ઊભું થાય છે. ટ્રસ્ટની પહોંચ આપે છે પણ તે ટ્રસ્ટ કેવું ચાલે છે, યાત્રિકો માટે શું કરે છે તે બધું સંશયવાળું લાગ્યું. કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં જે વ્યક્તિઓ પૂજાપાઠમાં છે તે અને યાત્રિકોને લઈ આવનાર માર્ગદર્શકો આ ધન પોતાની રીતે અંદર અંદર વહેંચી લે છે.
પાર્કિંગ, હોટલ, લસ્સી વેચનાર કે કોઈ પણ જગ્યાએ તમને એ સ્થાનિક યુવક લઈ જાય તો ત્યાં તેને તમારા બિલમાંથી ભાગ મળે. ખેર…
ગોકુલનાથ બેઠક બંધ હતી. મહાપ્રભુજી બેઠક પણ બંધ હતી. અમે બહારથી દર્શન કર્યાં. યાત્રા કરતાં વૈષ્ણવોને અહીંથી કોઈ માર્ગદર્શન કે સહાય મળે તેમ ન લાગ્યું. સ્થાનિક બ્રાહ્મણ યુવક તમને બેઠકોમાં લઈ જવાનું ટાળે છે, અમે એવું જોયું. બીજી બાજુ પુષ્ટિ માર્ગના આ સ્થળો વૈષ્ણવો માટે આ વ્રજ પ્રદેશમાં પરિક્રમા સિવાયના નિત્યના દિવસોમાં કદાચ ઉપયોગી નહીં થઈ શકતા હોય. ઘણું કામ કરવા જેવું છે. (મથુરાના પુષ્ટિ માર્ગના દ્વારકાધીશ મંદિર માટે પણ માર્ગદર્શકે કહેલું કે એ મંદિર અગત્યનું નથી.)
ઠકુરાણી ઘાટ ગયાં. અહીં મહાપ્રભુજીએ કથા કરેલ. બ્રહ્મ સંબંધ પ્રથમવાર અહીં આપેલ. દર્શન કર્યાં. સૌ માટે પ્રાર્થના કરી.
ઘાટ અસ્વચ્છ. પણ લોકોની શ્રદ્ધા અખૂટ. બધે જ. કોઈ પણ વિઘ્ન એમને ભક્તિ કરતાં રોકી શકે તેમ નથી તે જોવામાં આવ્યું.
ગોકુળ યાત્રા સંપન્ન.
મથુરા પરત આવતા નગરના પ્રવેશ માર્ગમાં સરકારી પુરાતત્ત્વ સંગ્રહાલય જોયું. બહુ ઓછા લોકો એ જોવા આવેલા. સંગ્રહાલય સારું છે. જેએનયુ દિલ્હીથી વિદ્યાર્થીઓ સાથે એક અધ્યાપક આવેલા. ઈતિહાસ ભણાવતા હતા. પુરાતત્ત્વ અવશેષો સારી રીતે પ્રદર્શિત કરેલાં છે. જોતાં બે ત્રણ કલાક થાય તેવું વિશાળ સંગ્રહાલય છે. સમજતા વધુ સમય લાગે. અને સાચો ઈતિહાસ તારવતાં હજુ વધુ સમય લાગે.
બ્રિજવાસી હોટલ અને રેસ્ટોરાં જાણીતી છે, ત્યાં ભોજન કર્યું. સારું હતું.
નિવાસ પર પરત. નિવાસ વ્યવસ્થા પ્રતિકૂળ હતી, કહ્યું એટલે એમણે અમને બીજો કક્ષ આપ્યો. વિશ્રામ.
ક્રમશઃ... (to be continued in the next part)

Comments