- Oct 16, 2026
- Viren S Doshi
Featured Articles
નવરાત્રિ - નવલાં નોરતાં
નવરાત્રિ - શક્તિનું મહાપર્વ નવરાત્રિ અને નવ દિવસનું પર્વ. જીવનના તાત્ત્વિક અર્થને સમજવાનો, ઋતુચક્ર સાથે જોડાવાનો, સમાજને એકત્રિત કરવાનો અને આત્માને શુદ્ધ કરવાનો પવિત્ર અવસર. શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે આપણે તેના વિવિધ પાસાઓને સમજીને તેને વધુ અર્થપૂર્ણ બનાવી શકીએ. આ માત્ર ગરબા-ડાંડિયાનો ઉત્સવ નથી. શક્તિ, ભક્તિ, સંસ્કાર, સમરસતા અને સદાચારનું મહાપર્વ છે. દેવીઓ દેવોની સાથે અને તેમનાથી પણ વધુ સક્રિય, તત્પર અને સક્ષમ હતી. રાક્ષસોનો નાશ કરવા અને ધર્મની રક્ષા કરવા માટે કાર્યરત હતી. નારી એ વીરતા, સાહસ અને અદમ્ય શક્તિનું સ્વરૂપ છે. ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરના દૈવી પ્રગટીકરણને સ્ત્રીના દેવી સ્વરૂપે વ્યક્ત કરતું આ પર્વ છે. સ્ત્રી અબળા નથી, સોફ્ટ જેન્ડર નથી પણ મહાશક્તિ છે તે ભાવ વ્યક્ત કરતું આ પર્વ છે. એ વીરાંગના છે. તેને વસ્તુ, ભોગ, રૂપાંગના કે વારાંગના તરીકે જોવી એ વિનાશને આમંત્રણ આપવા સમાન છે. દેવી પૂજન, માતૃ પૂજન, કન્યા પૂજન અને કન્યા ભોજન એ આ ઉત્સવના કેન્દ્રમાં અંગભૂત છે. તાત્ત્વિક દૃષ્ટિએ નવરાત્રિનું મહત્ત્વ જીવનમાં જડતા અને ગતિ, અંધકાર અને પ્રકાશ, અધર્મ અને ધર્મ વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. નવ દિવસ સુધી મા દુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના કરીને આપણે આપણી અંદરની નકારાત્મક શક્તિઓ—અહંકાર, ઈર્ષ્યા, ભય, આળસ—નો નાશ કરીને સકારાત્મક ગુણોને જાગૃત કરીએ છીએ. આ પર્વ કહે છે કે શક્તિ માત્ર બાહ્ય નથી, તે આપણા અંતરમાં છે. આપણે તેને જાગૃત કરીએ છીએ ત્યારે જીવનમાં સંતુલન અને વિજય આવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ નવરાત્રિનું મહત્ત્વ નવરાત્રિ આત્મશુદ્ધિ અને ભક્તિનું અનુષ્ઠાન છે. ઉપવાસ, જાગરણ, મંત્ર જપ અને આરાધના દ્વારા મનને દુર્ભાવના અને ખોટા વિચારો થી દૂર રાખીને દિવ્યશક્તિ તરફ વાળવામાં આવે છે. નવ સ્વરૂપો દ્વારા ધીરજ, સાહસ, કરુણા, પવિત્રતા અને જ્ઞાન જેવા ગુણોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવે છે. આ પર્વ કહે છે કે ભક્તિ માત્ર મંદિરમાં નહીં, નિત્ય કર્મોમાં પણ જીવંત હોવી જોઈએ. નવ દિવસ, નવ સ્વરૂપ અને નવ ઉપદેશ નવરાત્રિમાં મા દુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના થાય છે. પ્રત્યેક દિવસ એક દિવ્ય ગુણ કેળવવા માટે છે: પ્રથમ દિવસ – મા શૈલપુત્રી (કેસરી રંગ): ધીરજ અને દૃઢ સંકલ્પ. પરિસ્થિતિ ગમે તેવી હોય, સત્ય અને ધર્મનો માર્ગ ક્યારેય છોડશો નહીં. બીજો દિવસ – મા બ્રહ્મચારિણી (શ્વેત ધવલ રંગ): તપ, ત્યાગ અને આત્મસંયમ. સફળતા માટે પરિશ્રમ અને વાણી-વર્તનનો સંયમ અનિવાર્ય છે. ત્રીજો દિવસ – મા ચંદ્રઘંટા (રક્ત રંગ): શૌર્ય અને સાહસ. અન્યાય સામે અવાજ ઉઠાવો, નિર્બળની રક્ષા કરો. ચોથો દિવસ – મા કુષ્માંડા (નીલો રંગ): સર્જનશક્તિ અને હકારાત્મકતા. નિરાશને આશા આપો, સમાજમાં પ્રકાશ ફેલાવો. પાંચમો દિવસ – મા સ્કંદમાતા (પીળો રંગ): માતૃત્વ, પ્રેમ અને સંસ્કાર. માતા-પિતાનું સન્માન કરો, બાળકોને સારા સંસ્કાર આપો. છઠ્ઠો દિવસ – મા કાત્યાયની (લીલો રંગ): સાહસ અને ધર્મરક્ષા. દીકરીઓને શિક્ષણ, સુરક્ષા અને સમાન તક આપો. નારીનું સન્માન એ જ સાચી શક્તિની ઉપાસના છે. સાતમો દિવસ – મા કાલરાત્રિ (રાખોડી રંગ): ભય અને અજ્ઞાનનો નાશ. અહંકાર, ઈર્ષ્યા અને અંધશ્રદ્ધાથી મુક્ત થાઓ. આઠમો દિવસ – મા મહાગૌરી (જાંબલી રંગ): પવિત્રતા અને ક્ષમા. મનમાં દ્વેષ ન રાખો, ક્ષમા આપવાનો ગુણ કેળવો. નવમો દિવસ – મા સિદ્ધિદાત્રી (મોરપીંછ રંગ): જ્ઞાન અને સિદ્ધિ. સફળતાનો ઉપયોગ માત્ર પોતાના માટે નહીં, સમાજના કલ્યાણ માટે કરો. આ નવ સ્વરૂપો આપણને શીખવે છે કે શક્તિ સાથે કરુણા, ભક્તિ સાથે સેવા અને સફળતા સાથે વિનમ્રતા કેળવવા જોઈએ. સાંસ્કૃતિક દૃષ્ટિએ નવરાત્રિનું મહત્ત્વ નવરાત્રિ ભારતીય સંસ્કૃતિની વિવિધતાનું જીવંત ઉદાહરણ છે. ગુજરાતમાં ગરબા-ડાંડિયા, બંગાળમાં દુર્ગા પૂજા, દક્ષિણમાં ગોલુ અને ઉત્તરમાં રામલીલા—આ એક જ પર્વના અલગ-અલગ રૂપો છે. સંગીત, નૃત્ય, પોશાક, ભોજન અને કલા આ બધું એકસાથે ખીલે છે. આ પર્વ આપણી સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખે છે અને પેઢીઓ વચ્ચે પરંપરાનું સંક્રમણ કરે છે. ધાર્મિક દૃષ્ટિએ નવરાત્રિનું મહત્ત્વ ધાર્મિક રીતે નવરાત્રિ શક્તિ ઉપાસનાનું પ્રમુખ પર્વ છે. ઘટસ્થાપના, કળશ સ્થાપના, નવદુર્ગાની પૂજા, કન્યા પૂજન અને વિજયાદશમી—આ બધી વિધિઓ ભક્તને માતાની કૃપામાં લઈ જાય છે. ભગવાન માત્ર પુરુષ સ્વરૂપે જ નહીં, માતૃસ્વરૂપે પૂજનીય છે અને નારીશક્તિ ધર્મની રક્ષા માટે સક્રિય અને સક્ષમ છે. કન્યા ભોજન એ પણ આ ઉત્સવનું મુખ્ય અંગ છે. ઐતિહાસિક અને પૌરાણિક દૃષ્ટિએ નવરાત્રિનું મહત્ત્વ નવરાત્રિ મા દુર્ગા અને મહિષાસુરના યુદ્ધની કથા સાથે જોડાયેલ પર્વ છે. વિજયાદશમી મુખ્યત્વે મહિષાસુર વધના વિજયનું પર્વ છે. અને નવરાત્રિ વિજય માટે શક્તિ સંચયની આરાધના છે. ઉત્તર ભારતમાં લોકપરંપરા અનુસાર શ્રીરામે નવ દિવસ યુદ્ધ કરીને દશમીએ રાવણનો વધ કર્યો હતો એટલે આ પર્વ મનાવાય છે. (વાલ્મીકિ રામાયણમાં રાવણ વધની તિથિ આશ્વિન શુક્લ દશમી નથી.) બંને કથાઓનો સાર એક જ છે – અસત્ય અને અધર્મ પર સત્ય અને ધર્મનો અંતિમ વિજય. અનિષ્ટ પર સદાચારનો વિજય. મહિષાસુર વધની કથા એ આપણા ઈતિહાસની સૌથી પવિત્ર અને શક્તિશાળી પૌરાણિક કથાઓમાંની એક છે. મહિષાસુર કોણ હતો? પૌરાણિક કથાઓ અનુસાર, મહિષાસુર એ અસુરોના રાજા રંભ અને એક જળચર ભેંસ (મહિષી) જેવી દેખાતી રાક્ષસીનો પુત્ર હતો. તે ઈચ્છા અનુસાર પાડા અથવા મનુષ્યનું રૂપ ધારણ કરતો હતો. તેણે બ્રહ્માજીની (કેટલાક વર્ણનમાં અગ્નિદેવની) ઘોર તપસ્યા કરીને વરદાન મેળવ્યું હતું કે કોઈ દેવ, દાનવ કે માનવ પુરુષ તેનો વધ ન કરી શકે. તે માનતો હતો કે સ્ત્રી અબળા હોય છે અને તે ક્યારેય તેનો વધ કરી શકશે નહીં. મહિષાસુરને દુષ્ટતા, અહંકાર અને અન્યાયના પ્રતીક તરીકે જોવામાં આવે છે. તેની શક્તિનો તેને અહંકાર થઈ ગયો હતો. મુખ્યત્વે માર્કંડેય પુરાણ (જેનો ભાગ 'દેવી માહાત્મ્ય' અથવા 'દુર્ગા સપ્તશતી' છે), શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણ અને શિવ મહાપુરાણ અંતર્ગત મહિષાસુરના અત્યાચારોનું વર્ણન છે: સ્વર્ગલોક પર આક્રમણ તેણે સત્તાના લોભમાં અને વરદાનના અહંકારમાં સ્વર્ગલોક (તિબેટ / ત્રિવિષ્ટપ) પર પોતાની વિશાળ અસુર સેના સાથે આક્રમણ કર્યું. દેવતાઓ અને અસુરો વચ્ચે વર્ષો સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. અંતે, મહિષાસુરે દેવોના રાજા ઈન્દ્રને હરાવી દીધા અને બધા દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. મહિષાસુર મનસ્વી શાસક બની ગયો. તેણે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, યમ અને વરુણ દેવતાઓની શક્તિઓ છીનવી લીધી. બ્રહ્માંડનું સંતુલન બગડવા લાગ્યું. દેવતાઓને પૃથ્વી પર ભટકવા અને સંતાઈને રહેવા વિવશ થવું પડ્યું. મહિષાસુરે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ પર ત્રાસ ફેલાવ્યો. પૃથ્વી પર થતા યજ્ઞો, ધાર્મિક વિધિઓ અને પૂજા-પાઠ બંધ કરાવી દીધા, તે ઈચ્છતો હતો કે દેવોને બદલે તેની પૂજા થાય. તેના સૈનિકો પૃથ્વી પર પવિત્ર ઋષિ-મુનિઓ અને નિર્દોષ મનુષ્યોને હેરાન કરતા, આશ્રમોનો નાશ કરતા અને સ્ત્રીઓ પર અત્યાચાર ગુજારતા હતા. ધર્મ અને સદાચારનો નાશ કરીને તેણે ચારેય તરફ અધર્મ અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. મહિષાસુર પાસે અદ્ભુત માયાવી શક્તિઓ હતી, જેનાથી તે ક્ષણભરમાં ભેંસ, સિંહ, હાથી કે મનુષ્યનું સ્વરૂપ લઈ શકતો હતો. ભગવતી દુર્ગા તેની સામે આવ્યા ત્યારે પણ તે અહંકારમાં અંધ હતો. તેણે સ્ત્રી શક્તિનો અનાદર કર્યો, દેવીને પોતાની દાસી કે અનુચરી બનાવવા લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જે તેના કુસંસ્કાર અને દુષ્ટતા દર્શાવે છે. નિર્દોષો પર અત્યાચાર, પ્રકૃતિના નિયમોનો ભંગ અને સ્ત્રી શક્તિનું અપમાન કરવાને કારણે જ સત્તાનો દુરુપયોગ કરનાર મહિષાસુરને દુષ્ટ ગણવામાં આવ્યો અને જગતના કલ્યાણ માટે જગદંબાએ તેનો નાશ કરવો પડ્યો. પરાજિત દેવતાઓ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવની શરણમાં ગયા. મહિષાસુરના અત્યાચારની વાત સાંભળીને આ દેવો અત્યંત ક્રોધિત થયા. તે સમયે દેવતાઓના તેજ(ઊર્જા)માંથી એક પરમ દિવ્ય આદિશક્તિ પ્રગટ થઈ, જેને દેવી દુર્ગા અથવા અંબિકા કહેવામાં આવ્યા. ભગવાન શિવે તેમને ત્રિશૂળ, વિષ્ણુએ ચક્ર, ઈન્દ્રએ વજ્ર અને અન્ય દેવોએ પોતાના દિવ્ય અસ્ત્ર-શસ્ત્ર દેવીને અર્પણ કર્યા. હિમવાને તેમને સવારી માટે સિંહ વાહન / સિંહ-રથ આપ્યો. મહિષાસુરે જોયું કે જગદંબા જગતને ધ્રુજાવી રહ્યા છે, ત્યારે તેણે દેવી પર સીધો હુમલો કરવાના બદલે પોતાની મહાશક્તિશાળી અને માયાવી અસુર સેનાને યુદ્ધના મેદાનમાં ઉતારી. દેવી દુર્ગા અને મહિષાસુરના મુખ્ય સેનાપતિઓ વચ્ચેનું યુદ્ધ અત્યંત ભયંકર હતું. દેવી અને તેમના વાહન સિંહે એક પછી એક શક્તિશાળી રાક્ષસોનો સંહાર કર્યો. ચિક્ષુર સાથે યુદ્ધ મહિષાસુરની સેનાનો મુખ્ય સેનાપતિ ચિક્ષુર હતો. તે ચતુરંગી સેના (હાથી, ઘોડા, રથ અને પાયદળ) સાથે યુદ્ધમાં ઉતર્યો. તેણે દેવી દુર્ગા પર તીરોનો વરસાદ કરી દીધો. દેવીએ પોતાના દિવ્ય બાણોથી તેના તીરોને હવામાં જ કાપી નાખ્યા અને તેના રથ તથા ઘોડાઓનો નાશ કર્યો. જ્યારે ચિક્ષુરે તલવાર અને ઢાલ લઈને દેવી તરફ દોટ મૂકી, ત્યારે દેવીએ પોતાના તીક્ષ્ણ ત્રિશૂળના પ્રહારથી તેને ભોંયભેગો કરી દીધો. ચામર સાથે યુદ્ધ આ મહિષાસુરનો મોટો સેનાપતિ હતો, જે હાથી પર સવાર થઈને લડવા આવ્યો. તેણે દેવી પર શક્તિ (ભાલો જેવું અસ્ત્ર) ફેંક્યો, જેને દેવીએ માત્ર એક હુંકારથી નષ્ટ કરી દીધી. આ જોઈને દેવીનું વાહન સિંહ અત્યંત ક્રોધિત થયો. સિંહે એક મોટો કૂદકો માર્યો અને સીધો ચામર સવાર હતો તે હાથીના મસ્તક પર ચઢી ગયો. સિંહે પોતાની અદ્ભુત શક્તિથી ચામરને હાથી પરથી નીચે પાડી દીધો અને પોતાના તીક્ષ્ણ પંજા તથા દાંતથી તેની છાતી ચીરીને તેનો વધ કરી નાખ્યો. ઉદગ્ર અને મહાહનુ આ બંને રાક્ષસો પણ અનેક સૈનિકો સાથે દેવીને ઘેરવા આવ્યા. ઉદગ્રને દેવીએ શિલાઓ અને વૃક્ષોના પ્રહારથી માર્યો. દેવીએ પોતાની ગદાથી પ્રહાર કરીને મહાહનુને યમલોક ભેગો કર્યો. અસિલોમા અને બાષ્કલ બાષ્કલ નામના રાક્ષસે દેવી પર ભીંદીપાલ (એક શસ્ત્ર) ફેંક્યું, પરંતુ દેવીએ પોતાની ગદાથી તેનો નાશ કર્યો અને બાષ્કલનો વધ કર્યો. અસિલોમા (જેના વાળ તલવાર જેવા તીક્ષ્ણ હતા) તેને દેવીએ પોતાની તલવારથી જ વચ્ચેથી વાઢી નાખ્યો. બિડાલ અને તામ્ર આ બંને સેનાપતિઓ માયાવી શક્તિઓથી યુદ્ધ કરી રહ્યા હતા, પરંતુ દેવીના પ્રચંડ પ્રહારો સામે તેઓ ટકી શક્યા નહીં. દેવીએ બિડાલ અને તામ્રના મસ્તક કાપીને તેમનો અંત આણ્યો. આ યુદ્ધમાં માત્ર દેવી દુર્ગા જ નહીં, પરંતુ તેમના વાહન સિંહે પણ અસુર સેનામાં ફફડાટ ફેલાવી દીધો. સિંહ અસુરોના ટોળા પર તૂટી પડતો અને તેમના ગળા કાપી નાખતો. આ ઉપરાંત, દેવીએ યુદ્ધમાં જે શ્વાસ છોડ્યા તેમાંથી દેવીના ગણો (પ્રમથ ગણ) ઉત્પન્ન થયા જેમણે તલવાર, ગદા અને પરશુ વતી શેષ રાક્ષસી સેનાનો અંત કરી નાખ્યો. પોતાના પરાક્રમી સેનાપતિઓ અને અક્ષૌહિણી સેનાનો નાશ થતો જોઈને મહિષાસુર પોતે ક્રોધમાં લાલચોળ થઈ ગયો અને એક વિશાળ મહિષ એટલે કે પાડાનું સ્વરૂપ ધારણ કરીને દેવી સામે યુદ્ધના મેદાનમાં આવ્યો. દેવી દુર્ગા અને મહિષાસુરની સેના વચ્ચે ૯ દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. મહિષાસુરે દેવીને ભ્રમિત કરવા સિંહ, હાથી અને પાડા જેવા અનેક સ્વરૂપો બદલ્યા. અંતે, વિજયાદશમીના દિવસે દેવીએ પોતાના પગ વડે મહિષાસુરની ગરદન દબાવી, ત્રિશૂળથી તેની છાતી પર પ્રહાર કર્યો અને તલવારથી તેનું મસ્તક કાપીને તેનો વધ કર્યો. આથી દેવી 'મહિષાસુરમર્દિની' તરીકે ઓળખાયા. પુરાણો ઉપરાંત ભારતના વિવિધ પ્રદેશો અને સાહિત્યિક સ્રોતોમાં આ કથાના વિવિધ પાસાં જોવા મળે છે: આદિ શંકરાચાર્ય દ્વારા રચિત મહિષાસુર મર્દિની સ્તોત્ર (અયિ ગિરિનંદિની) લોકપ્રિય છે જેમાં કથાને સંગીતમય અને આધ્યાત્મિક રીતે વર્ણવેલ છે. મૈસુર(કર્ણાટક)ની લોકકથા દક્ષિણ ભારતની સ્થાનિક માન્યતા પ્રમાણે, આ યુદ્ધ કર્ણાટકના ચામુંડી પર્વતની ટોચ પર લડાયું હતું. દેવી ચામુંડેશ્વરીએ ત્યાં મહિષાસુરનો વધ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, 'મૈસૂર' નગરનું નામ જ 'મહિષૂર' (મહિષાસુરનું ગામ) પરથી પડ્યું છે અને ત્યાં આજે પણ ચામુંડી પર્વત પર મહિષાસુરની પ્રતિમા છે. ગુજરાતના ગરબામાં આ કથા છે તો પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યોમાં દુર્ગા પૂજાના પંડાલમાં વધના દ્રશ્યને જીવંત કળા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. મધ્ય અને પૂર્વીય ભારતના કેટલાક આદિવાસી સમુદાયો (જેમ કે અસુર જનજાતિ) મહિષાસુરને પોતાના પૂર્વજ માને છે અને તે દિવસોમાં શોક મનાવે છે, જે આ કથાના વૈવિધ્યપૂર્ણ સામાજિક સંદર્ભને દર્શાવે છે. મહિષાસુર વધ એ માત્ર એક રાક્ષસના અંતની વાર્તા નથી. આ કથા આપણા અંતરાત્મામાં રહેલા અહંકાર, ક્રોધ અને અજ્ઞાનરૂપી મહિષાસુરને દિવ્ય જ્ઞાન અને શક્તિ દ્વારા નષ્ટ કરવાનો સંદેશ આપે છે. પ્રાકૃતિક દૃષ્ટિએ નવરાત્રિનું મહત્ત્વ ઋતુચક્રની દૃષ્ટિએ પણ નવરાત્રિનું અસાધારણ મહત્ત્વ છે. વર્ષાઋતુ પછી શરદ ઋતુનો પ્રારંભ થાય છે. પ્રકૃતિમાં સ્ફૂર્તિ હોય છે. આકાશ સ્વચ્છ હોય છે, હવા ઠંડી અને શુદ્ધ બને છે, પૃથ્વી પર નવા જીવનનો સંકેત જોવા મળે છે. પ્રકૃતિ પોતાને નવીન બનાવે છે, તે જોઈ માનવે પણ પોતાના મન, વિચારો અને આદતોને શુદ્ધ કરીને નવા આરંભ તરફ આગળ વધવું જોઈએ. શરદ ઋતુની આ પ્રાકૃતિક શુદ્ધિ નવરાત્રિના આંતરિક શુદ્ધિકરણ સાથે સુંદર રીતે મેળ ધરાવે છે. સામાજિક દૃષ્ટિએ નવરાત્રિનું મહત્ત્વ નવરાત્રિ એકતા અને સહકારનું પર્વ છે. ગરબા અને ડાંડિયામાં જાતિ, વર્ગ કે વયના ભેદ વગર લોકો એકસાથે નૃત્ય કરે છે. પરિવારો એકત્ર થાય છે, પડોશીઓ મળે છે અને સમુદાયની ભાવના દૃઢ બને છે. સમાજમાં મહિલાઓના માન અને સુરક્ષાને પ્રોત્સાહન મળે છે. નિર્ધનને સહાય કરવી, વડીલોનું સન્માન કરવું અને બાળકોને સંસ્કાર આપવા - આ મૂલ્યોને નવરાત્રિ પુનર્જીવિત કરે છે. પહેલા નવરાત્રિ કેવી રીતે ઉજવાતી? પહેલાં નવરાત્રિ સરળ અને ભાવપૂર્ણ રીતે ઉજવાતી. ઘરમાં કળશ સ્થાપના, સાત્ત્વિક ભોજન, પરિવાર સાથે આરતી, ગામના ચોકમાં ગરબા અને મંદિરમાં સામૂહિક ભજન—આ જ મુખ્ય હતું. સાંજે મંદિરના (ચાંચર) ચોકમાં પાણી છાંટવાનું જેથી ગરબે રમતાં ધૂળ ન ઉડે. ગરબીમાં દેશી ગાયના ચોખ્ખા ઘીના દીવા કરવાના. ભાવપૂર્ણ અને ઈતિહાસ જેમાં હોય તેવા માતાજીની સ્તુતિના ગુણગાનના ગરબા રમવાના. સ્ત્રોત-ગાન કરવાનું. પાઠ કરવાના. અગ્નિહોત્ર / યજ્ઞ કરવાના. આઠમે વિશેષ સામૂહિક વૈદિક યજ્ઞ કરવાનો. ખર્ચ ઓછો, ભાવ વધારે. લોકો ઉપવાસ કરતા, રાત્રિ જાગરણ કરતા અને પરસ્પર સહાય કરતા. કોઈ કોઈ માત્ર પાણી પર નવ દિવસ રહીને જગજજની માતાનું અનુષ્ઠાન કરે. પર્વનું કેન્દ્ર ભક્તિ હતું, નહીં કે પ્રદર્શન. ભવાઈ, લીલા વગેરે થાય જેનાથી ઈતિહાસ વિશે રોચક રીતે સૌ જાણે. છોકરાઓ ઘોઘો લઈને અને દીકરીઓ ગરબો લઈને ઘરે ઘરે ગાતા ગાતા જાય. સૌ એમને ખાવાનું આપે, મીઠાઈ આપે કે અન્ય વસ્તુઓ ભેટ આપે. કન્યા પૂજન અને કન્યા ભોજન કાર્યક્રમ પણ રાખવામાં આવતા. નવરાત્રિ ઉત્સવનું બદલાતું સ્વરૂપ આજે દુર્ભાગ્યે વેપારીકરણની સમસ્યા આવી છે. મોંઘા ટિકિટવાળા ગરબા, પ્લાસ્ટિકની સજાવટ, અતિશય અવાજ, ફેશનનું પ્રદર્શન અને વ્યાપારી હેતુઓ પર્વના મૂળ ભાવને ઢાંકી દે છે. પર્યાવરણને હાનિ પણ થાય છે. જેહાદી તત્ત્વો ગરબામાં આવીને દીકરીઓને લલચાવવા ફસાવવા કુપ્રયાસો કરતાં હોવાનું પણ સાંભળવામાં આવે છે. શક્તિ સંચય અને સંયમના આ શ્રેષ્ઠ ઉત્સવને વિલાસ વાસનાનો વરવો વિકાર બનતો જોઈ શકાય છે. આનું પરિણામ તો વિનાશ અને સર્વનાશમાં આવે. આથી નવરાત્રિને પુનઃ તેના મૂળ સ્વરૂપમાં લાવવાની તાતી આવશ્યકતા છે. આપણે નવરાત્રિ સાચી રીતે કેમ ઉજવવી? નવરાત્રિને સાચી રીતે ઉજવવા માટે ભક્તિને કેન્દ્રમાં રાખીએ. જૂના ભક્તિભાવ યુક્ત ગરબા ગાવાનું રાખીએ. સાદા અને ઈકો-ફ્રેન્ડલી રાચરચીલાથી શેરી ગરબા સ્થળની સજાવટ કરીએ, સ્વચ્છતા રાખીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ, અવાજનું નિયંત્રણ રાખીએ. પ્રાકૃતિક રંગો વાપરીએ. મા શૈલપુત્રી પર્વતો અને પ્રકૃતિની પુત્રી છે – તેમની પૂજા પર્યાવરણની રક્ષા વગર અધૂરી છે. પરિવાર અને પડોશીઓ સાથે ગરબા રમીએ. વડીલોનું સન્માન કરીએ અને બાળકોને પર્વના સાચા અર્થ સમજાવીએ. નારીશક્તિની પૂજા કરતી વખતે ઘરની મહિલાને સન્માન આપીએ. ઉપવાસ કે સાત્ત્વિક આહાર દ્વારા આત્મસંયમ કેળવીએ. વેપારીકરણને બદલે સેવા અને સહકારને પ્રાધાન્ય આપીએ. દેવીએ રાક્ષસોનો નાશ કર્યો તે યાદ રાખીને આપણે આજના સમયની રાક્ષસી વૃત્તિઓ – અન્યાય, ભ્રષ્ટાચાર, અજ્ઞાન, લવ જેહાદ, અરાજકતા, ભોગવાદ – સામે લોકશક્તિથી લડીએ. સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોને હાનિકારક દુષ્પ્રયાસો પ્રત્યે સાવધાન રહીએ. ધર્મની રક્ષા માત્ર મંદિરમાં નહીં, દૈનંદિન જીવનમાં આવશ્યક છે. ગરબા રમીએ, મનમાંથી અહંકાર અને ભેદભાવ દૂર કરીએ. દીવો પ્રગટાવીએ, કોઈના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવીએ. માતાજીની ભક્તિ કરીએ, માનવતાની સેવા કરીએ. દીકરીઓ સેનામાં અને પોલીસમાં જઈ શકે તેવી સક્ષમ બને, આત્મ-રક્ષણ અને રાષ્ટ્ર-રક્ષણ માટે સિદ્ધ બને તેવો સંકલ્પ કરીએ અને તેવા ઉપક્રમ કરીએ. શસ્ત્ર પૂજા કરીએ. સનાતન સંસ્કૃતિ માટે સંગઠિત થઈએ, તે માટે પ્રતિબદ્ધ એવા સંગઠનોમાં જોડાઈએ. સમાપન મા શૈલપુત્રી આપણને દૃઢતા આપે, મા બ્રહ્મચારિણી સંયમ આપે, મા ચંદ્રઘંટા સાહસ આપે, મા કુષ્માંડા સકારાત્મકતા આપે, મા સ્કંદમાતા પ્રેમભાવ આપે, મા કાત્યાયની શક્તિ આપે, મા કાલરાત્રિ નિર્ભયતા આપે, મા મહાગૌરી પવિત્રતા આપે અને મા સિદ્ધિદાત્રી જ્ઞાન તથા સફળતા આપે. નવરાત્રિ ત્યારે જ સાર્થક બને જ્યારે માતાની ભક્તિ આપણા વિચારોમાં પવિત્રતા, વાણીમાં મીઠાશ અને કર્મોમાં માનવતા લાવે. આ નવ દિવસ કહે છે કે શક્તિ સાથે કરુણા, ભક્તિ સાથે સેવા અને સફળતા સાથે વિનમ્રતા હોવી જોઈએ. વિશ્વમાં, રાષ્ટ્રમાં, સમાજમાં એકતા વધે અને ધર્મનો વિજય થાય. આ નવલી નવરાત્રિ આપણા જીવનમાંથી દુઃખ, દુર્ભાવના અને નકારાત્મકતાનો અંધકાર દૂર કરે. દરેક ઘરમાં સુખ-શાંતિ રહે, દરેક દીકરી સુરક્ષિત અને સક્ષમ રહે. મા અંબાના આશીર્વાદ સૌના જીવનમાં વરસે. જય અંબે! જય આદ્યશક્તિ! શુભ નવરાત્રિ!- Oct 15, 2026
- Viren S Doshi
