- Sep 03, 2026
- Viren S Doshi
Featured Articles
બોળચોથ: લોક ઉત્સવ
બોળચોથ એ લોક ઉત્સવ છે, બોળચોથ એ સનાતન વૈદિક પરંપરાનું પવિત્ર પર્વ છે. “પ્રકૃતિ અને ગાય સાથે સહઅસ્તિત્વનું દિવ્ય પૂજન” એટલે બોળ ચોથ. બોળ એટલે શું? ગુજરાતીમાં “બોળ” અથવા “બોળિયો” એટલે વાછરડો (નાનું વાછડું). તેથી આ દિવસનું નામ બોળચોથ પડ્યું છે – ગાય અને તેના વાછરડાની પૂજાનો દિવસ. કેટલાક સ્થાનો પર તેને બહુલા ચોથ પણ કહે છે, પણ ગુજરાતમાં બોળચોથ નામ વધુ પ્રચલિત છે. ભારતીય સંસ્કૃતિ અને ગાય ભારતીય દર્શનમાં ગૌપૂજન કોઈ અંધશ્રદ્ધા કે કાલ્પનિક વાત નથી. તે વેદોક્ત બ્રહ્માંડીય નિયમ છે અને પ્રકૃતિ સાથે એક થવાનું આધ્યાત્મિક વિજ્ઞાન છે. ઋષિઓએ ગાયને સમગ્ર સૃષ્ટિની પોષક માની છે. ધર્મગ્રંથોમાં કહ્યું છે કે પૃથ્વી જ્યારે પોતાના પર વધેલા પાપ કે ભારની ફરિયાદ ઈશ્વરને કરવા જાય છે, ત્યારે તે ગાયનું રૂપ ધારણ કરે છે. આ માત્ર કહેવત નથી, પરંતુ આ રૂપક ઊંડો અર્થ ધરાવે છે. ગાય પૃથ્વીની જેમ સહનશીલ અને ઉર્જાવાન છે. તે સમગ્ર જીવસૃષ્ટિનું પાલન કરે છે. ગૌમૂત્ર અને ગોમય(ગોબર)થી ભૂમિની ફળદ્રુપતા જળવાય છે. ઝેરી દવા અને રસાયણો વગર પૃથ્વીને જીવંત રાખવાની સાચી શક્તિ દેશી ભારતીય ગાય અને ગૌવંશમાં છે. ઋષિઓએ સહસ્રો વર્ષો પહેલાં બોધ આપેલો છે કે જો ગૌવંશ નાશ પામશે તો ધરતી જીવનહીન બની જશે અને માનવજાત તથા બીજા જીવો પણ અસ્તિત્વ ગુમાવશે. એટલે જ વેદ, ઉપનિષદ અને ધર્મશાસ્ત્રમાં ગાયનું મહત્ત્વ સ્પષ્ટ રીતે કહ્યું છે. વેદો અને ધર્મગ્રંથોમાં ગાયનો મહિમા ઋગ્વેદ (૮.૧૦૧.૧૫) કહે છે: માતા રુદ્રાણાં દુહિતા વસૂનાં સ્વસાદિત્યાનામમૃતસ્ય નાભિઃ। પ્ર નુ વોચં ચિકિતુષે જનાય મા ગામનાગામદિતિં વધિષ્ટ॥ ઋગ્વેદ મંડલ ૮, સૂક્ત ૧૦૧, મંત્ર ૧૫ આ ગો-રક્ષાનો સૌથી પ્રસિદ્ધ મંત્ર છે. (माता रुद्राणां दुहिता वसूनां स्वसादित्यानाममृतस्य नाभिः । प्र नु वोचं चिकितुषे जनाय मा गामनागामदितिं वधिष्ट ॥) પદપાઠ: मा । गाम् । अनागाम् । अदितिम् । वधिष्ट અર્થ: ગામ્ અનાગામ્ - નિરપરાધ, ન મારવા યોગ્ય ગાયને અદિતિમ્ - જે અદિતિ સમાન છે, જેનો વધ ન કરવો જોઈએ (અખંડનીય) મા વધિષ્ટ - હિંસા ન કરો / મારો નહીં આ જ મંત્ર યજુર્વેદ ૧૩.૪૯માં પણ આવે છે. “ગાય રુદ્રોની માતા છે, વસુઓની પુત્રી છે, આદિત્યોની બહેન છે અને અમૃત(જીવન-શક્તિ અર્થાત્ દૂધ)નું કેન્દ્ર છે. હું જ્ઞાની જનોને કહું છું - નિરપરાધ, અવધ્ય ગાયને ક્યારેય મારશો નહીં.” પવિત્ર ગાયની ક્યારેય હિંસા ન કરવી. તેને અઘન્યા(જેને મારવી ન જોઈએ તે, જે અવધ્ય છે તે) કહ્યું છે. બીજા મંત્રમાં કહ્યું છે: હે અઘન્યા (પવિત્ર ગાય)! તું સારું ઘાસ ચરીને સમૃદ્ધ અને તેજસ્વી બન, જેથી અમે પણ સમૃદ્ધ થઈએ. તું નિત્ય શુદ્ધ પાણી પી અને સારું ઘાસ ખા. માનવજાતની સમૃદ્ધિ ગાય અને પ્રકૃતિના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. સમૃદ્ધિ તેના શોષણથી નહીં, પરંતુ તેની સંભાળ લેવાથી આવે છે. અથર્વવેદ કહે છે કે ગૌમાતા સમગ્ર ઐશ્વર્ય, પુષ્ટિ અને સમૃદ્ધિનું ઘર છે. તે પૃથ્વી પર પોષણ આપનારી કામધેનુ સમાન છે. મહાભારતમાં પ્રાર્થના છે: ગાયો મારી આગળ રહે, ગાયો મારી પાછળ રહે, ગાયો મારા હૃદયમાં વસે અને હું સદાય ગાયોની વચ્ચે રહું. “ગાવો મયિ સન્તુ હૃદયે, ગાવાં મધ્યે વસામ્યહમ્” (ગાય મારા હૃદયમાં વસો, અને હું સદાય ગૌમાતાના સંરક્ષણ અને સાન્નિધ્યમાં રહું.) વધુમાં, ગૌશાળામાં વાછરડું જ્યારે ગાય માતાનું દૂધ પીને તૃપ્ત થાય છે, ત્યારે ત્યાં લક્ષ્મી અને આરોગ્યનો વાસ થાય છે. વાછરડાને ભૂખ્યું રાખીને લેવાયેલું દૂધ શાસ્ત્રમાં યોગ્ય દૂધ નથી તેમ કહેવામાં આવ્યું છે. બોળ ચોથ ક્યારે અને કેમ ઉજવાય છે? શ્રાવણ વદ ચોથ. આ પર્વ પ્રાચીન કૃષિ-સંસ્કૃતિ અને વૈદિક ઋતુચક્રનું અંગ છે. વૈદિક કાળથી આ પરંપરા ચાલી આવે છે. તે સમયે ગાયો જ અર્થવ્યવસ્થા, યજ્ઞ અને જીવનનો મુખ્ય આધાર હતી. તે સમયે કોની પાસે કેટલી ગાયો છે તેના પરથી તે કેટલા સંપન્ન છે તે નક્કી થતું હતું. શ્રાવણ માસ વર્ષાઋતુનો મધ્ય ભાગ છે. આ સમયે નવું ઘાસ ઊગે છે. તેથી ગાયોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને નવજાત વાછરડાનું રક્ષણ કરવું તે બહુ જ અગત્યનું માનવામાં આવે છે. આ દિવસે આ વ્રતમાં શું કરવું અને શું ન કરવું? દૂધ અને દૂધની વસ્તુઓનો ત્યાગ કરવો. ચપ્પુ કે ધારદાર વસ્તુથી કાપેલા શાકભાજી અને દળેલા અનાજ ન ખાવા. તેના બદલે બાજરી, મગ કે મઠ જેવા આખા (અખંડ) ધાન્યને ફણગાવીને કે બાફીને ખાવા. આનો સાદો અર્થ એ છે કે ગૌપાલન માત્ર વેપાર કે વ્યવસાય નથી, પરંતુ તે ગાયો સાથેનો પારિવારિક સંબંધ છે. એક દિવસ માટે માણસ પોતાના સ્વાદ પર નિયંત્રણ રાખીને ગાય પ્રત્યે નમ્રતા અને ધન્યતા બતાવે છે. આ લોકવ્રત પ્રકૃતિમાં હિંસા ન કરવાનું અને ધરતી સાથે સીધો સંબંધ જોડવાનું પ્રતીક છે. પ્રકૃતિ અને સનાતન ધર્મ અવાસ્તવિક ભાવુકતા નહીં, પરંતુ સંતુલન શીખવે છે. જો ગાયનું બધું દૂધ વાછરડું પી જાય તો તેને પણ સમસ્યા થાય છે. તેથી પ્રાચીન નિયમ છે કે વાછરડાને તેના જીવનના પ્રારંભે થોડું (પા આંચળ), પછી અડધું, પછી પોણું અને પછી વધારે કે એક આંચળ દૂધ આપવું. આમ વાછરડાને પોષણ મળે અને માનવ પરિવારને પણ દૂધ મળે. આને સાચો વૈદિક દોહન વ્યવહાર કહે છે. આ દિવસે જીવંત ગાયની વાછરડાં સાથે પૂજા કરવી – ગાય અને વાછરડાંને કુંકુમ, અક્ષતથી ચાંદલો કરી ગાયને ભરડેલ બાજરીની ઘૂઘરી કે ઘઉં કે અન્ય અનાજ ભરડી તેને બાફીને ગાયને ખવડાવવું. ગાયને પ્રણામ કરીને અને વાછરડા પ્રત્યે વહાલ બતાવીને સૌએ પૂજા કરવી. ભારતીય સંસ્કૃતિ - ત્યાગ કરો અને ત્યાગીને ભોગવો ઉપનિષદનો મૂળ સંદેશ આ છે. ઈશ ઉપનિષદ કહે છે: આ જગતમાં જે કંઈ છે તે બધું ઈશ્વરથી વ્યાપ્ત છે. તેથી ત્યાગની ભાવના સાથે તેનો ઉપયોગ કરો. કોઈના અધિકાર પર તરાપ ન મારો. બોળચોથ આ ઉપદેશનું જીવંત ઉદાહરણ છે. મનુષ્ય પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને ગાય પ્રત્યે દાયિત્વ નિભાવે છે. ગાયનું રક્ષણ એ પૃથ્વીનું રક્ષણ છે. આ જ ભારતની સાચી ઓળખ છે. બોળચોથની પૌરાણિક કે લોકપરંપરાગત વ્રતકથા આજે પણ ગુજરાત અને અન્ય સ્થાનો પર ગામોમાં માતાઓ બાળકો એકત્રિત થઈ સામૂહિક રીતે બોળ ચોથ ઉજવે છે. સવારમાં નાહીને મંદિરે અથવા ગોરાણી માના ઘરે સૌ આવે છે. આ દિવસે ગોરાણી દ્વારા સૌને આ વ્રતની એક લોકકથા કહેવામાં આવે છે. તે કથા આ પ્રમાણે છે: એક ગામમાં એક સાસુ અને તેની વહુ રહેતાં હતાં. સંયોગથી બંને વિધવા હતાં. તેમની પાસે માત્ર એક નાનું ઘર, એક ગાય અને તેનું વાછરડું હતું. વાછરડાનું નામ ઘઉંલો પાડ્યું હતું. સાસુ બહુ જ ધાર્મિક હતાં. બધાં વ્રતોનું પાલન કરતાં. વહુ પણ શીખતી હતી અને ડાહી હતી. તેમની ધોળી ગાય તો અત્યંત સોજી અને સમજણવાળી હતી. તે બુદ્ધિશાળી ગણાતી કાંકરેજ ગાય હતી. શ્રાવણ વદ ચોથ આવી. આજે બોળ ચોથ વ્રત હતું એટલે સાસુ વહેલાં વહેલાં નદીએ નાહવા જવા નીકળ્યાં. જતાં જતાં વહુને કહી ગયાં: “વહુ, આજે બોળચોથ છે. હું આવું ત્યાં સુધી ઘઉંલો ખાંડીને રાંધી રાખજે.” એટલે તે એમ ઈચ્છતા હતાં કે ઘઉં ભરડીને બાફી રાખજે જે ગાય-વાછરડાંની પૂજા પછી ગાયને ખવડાવવા જોઈશે. વહુએ સાચું સમજ્યું નહીં. ઘરમાં વાછરડાનું નામ પણ ઘઉંલો હતું. વહુને એમ થયું કે કોઈ કોઈ અબુધ લોકો પશુ બલિ આપે છે તેમ કરવાનું હશે કે શું...એ તો વાછરડાને લેવા ગઈ પણ ત્યાં તો ચમત્કાર થયો. નિત્ય તો ચરીને મોડી આવતી ગાય આજે કોણ જાણે કેમ પણ વહેલી વહેલી પાછી આવી ગઈ!! જાણે કે તેને લાગ્યું હોય કે આજે પૂજા છે, કે પછી તેને વાછરડાંની ચિંતા થઈ…!! ગમે તેમ પણ ગાય આવી એટલે વહુને પણ વિચાર આવ્યો કે કંઈક સમજણફેર થાય છે. તેટલામાં તેની સાસુ પણ આવી ગઈ. વહુ કહેવા લાગી: ગાય પાછી આવી ગઈ, મને કંઈ સમજાતું નથી. સાસુએ બધું ફોડ પાડીને સાચું સમજાવ્યું. ઈશ્વરની કૃપાથી ગાય માતાના પાછાં આવી જવાથી, અને સાસુ પણ પરત આવી જવાથી અઘટિત કંઈ ન થયું તેમ વિચારતાં વિચારતાં સાસુ વહુ રડી પડ્યાં. તેઓએ ગામની બધી સ્ત્રીઓને બોલાવી. અને પોતાની બધી વાત કહી દીધી કે જેથી ગામમાં પણ ક્યારેય સમજણ ફેર થવાથી કોઈને ત્યાં કંઈ અઘટિત ન થાય. સૌએ ગાય અને વાછરડાની પૂજા કરી અને કહ્યું: “ગાય માતા! સત તમારું, વ્રત અમારું.” વળી ત્યારથી ગોરાણી માતા અને સૌના વિચારથી નિયમ પણ બન્યો કે બોળચોથના દિવસે દળવું નહીં, ખાંડવું નહીં અને ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો. બોળચોથ આપણને કહે છે કે કોઈ સમજણફેર થવા જેવું લાગે તો તરત પાકી સમજણ થાય તેવી નિયમ-વ્યવસ્થા કરવી. આજના સમયે બોળ ચોથ આપણને કહે છે કે ૧. માત્ર તિલક કરી લેવાથી વ્રત પૂર્ણ નથી થતું. કર્તવ્ય સાથે જોડાવું જોઈએ. ૨. માર્ગો પર રઝળતી અને પ્લાસ્ટિક ખાતી ગાયોને આશ્રય, સ્વચ્છ પાણી અને શુદ્ધ આહાર ન મળે ત્યાં સુધી પૂજા અધૂરી છે. ૩. ગાય પાલન માત્ર પૈસા કમાવાની વાત નથી, સહઅસ્તિત્વ છે. ૪. પ્રતીકાત્મક પૂજા કરતાં વધુ મહત્ત્વ ગાયના યોગ્ય પાલન, સંવર્ધન અને તેના અધિકારોની જાળવણીનું છે. ૫. આ પર્વ પૃથ્વી, ભારતીય દેશી ગાય અને મનુષ્ય વચ્ચેના નૈતિક બંધનનું સ્મરણ છે. ૬. વ્રત સ્વાર્થ છોડીને ગાય અને ગૌવંશનું રક્ષણ કરવાના સંસ્કાર આપે છે. સનાતન પરંપરા બધા જીવોમાં એક જ ચેતના જુએ છે. તેનું સન્માન જ બોળચોથ છે. ગાયનું રક્ષણ એ પૃથ્વીનું રક્ષણ છે. આ જ સનાતન ધર્મની પરંપરાની સાચી અને શાશ્વત ઓળખ છે. આ દિવસે જીવંત ગાયની વાછરડાં સહિત પૂજા કરો, કથા વાંચો કે સાંભળો, અને કર્તવ્યને જીવનમાં ઉતારો, સંકલ્પબદ્ધ થાઓ. ગૌમાતાની જય!! સૌ વ્રત કરનાર કરાવનારની જય!!- Sep 02, 2026
- Salil Gewali
